ટીપે ટીપે સરોવર ભરાય,શરૂઆત કરો તો સફળતા સુધી પહોંચાય આવા અનેક વાક્યો આજ સુધી તમે વાંચ્યા હશે કે અનેક ફિલ્મોમાં કે પ્રવચનોમાં સાંભળ્યા હશે.પરંતુ હાલમાં આ તમામ વાક્યો ભારત દેશને લઈને સાચા સાબિત થઈ રહ્યા છે.ભારત દેશ આ વાક્યોનું એક ઉદાહરણ બની રહ્યો છે.જેનું એક માત્ર કારણ છે મિશન મૂનની સફળતા.
ભારત દેશની વસ્તી, દેશની બેરોજગારી તેમજ દેશ અંગે લોકોમાં પ્રવર્તતા વિચારો અંગે તો તમે જાણતા જ હશો.ભારતને આજ સુધી માત્ર શૂન્યની શોધ કે સંતોની ભૂમિના દેશ તરીકે જ ઓળખાવવામાં આવ્યો છે. પરંતુ આ વર્ષે જુલાઈ મહિનામાં શરૂ થયેલા મૂન મિશને દુનિયામાં ભારતની ઓળખ બદલવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.ગત ૨૩ ઓગસ્ટે ચંદ્રયાન – ૩ નું પ્રજ્ઞાન રોવર ચંદ્ર ની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું.
આ લેન્ડિંગની ખાસ વાત એ હતી કે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર અંધકાર છવાયેલો છે.આજ દિન સુધી આ જગ્યા પર કોઈ મિશન કરવામાં આવ્યું નથી. પરંતુ ભારતે મિશન પૂરું કરવા દક્ષિણ ધ્રુવ પસંદ કર્યો અને તેમાં સફળતા પણ મેળવી છે.
હાલમાં ચંદ્રયાન દ્વારા ચંદ્રની સપાટીના અલગ અલગ ફોટા ઈસરોને મોકલવામાં આવી રહ્યા છે.જેમાંથી કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે.આ વાયરલ ફોટા જોઈ દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે.ભારત માત્ર આર્યુવેદ કે સંસ્કૃતિ મામલે જ નહિ પરંતુ વિજ્ઞાન મામલે પણ અવ્વલ છે એ વાત ચંદ્ર પર કામ કરી રહેલા પ્રજ્ઞાન રોવર તેમજ ત્યાં લહેરાઈ રહેલા તિરંગાએ સાબિત કરી છે.