બોલિવુડ અને ટેલિવિઝન જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. બી. આર. ચોપરાની પ્રખ્યાત શ્રેણી ‘મહાભારત’માં કર્ણની ભૂમિકા નિભાવનારા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું નિધન બુધવાર, 15 ઓક્ટોબરના રોજ મુંબઈમાં થયું. તેઓ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા.
તેમના અવસાનના સમાચાર મળતાં જ સોશિયલ મીડિયામાં શોક સંદેશાઓની ઝરમર શરૂ થઈ ગઈ. ફિલ્મ જગતના અનેક જાણીતા કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.બોલિવુડની જાણીતી અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ પોતાના પ્રિય મિત્ર પંકજ ધીરના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયામાં તેમની સાથેના જૂના પળોની તસવીરો શેર કરતાં લખ્યું — “આજે મેં મારા એક બહુ પ્રિય મિત્રને ગુમાવ્યો છે અને હું સંપૂર્ણ રીતે તૂટી ગઈ છું.
પંકજ ધીર હંમેશાં ખૂબ જ પ્રેમાળ, દરેક બાબતમાં ઉત્સાહી અને એક અસરકારક અભિનેતા રહ્યા. તેમણે ‘મહાભારત’માં કર્ણનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા. તેઓ જીવનથી ભરપૂર વ્યક્તિ હતા.”હેમા માલિનીએ આગળ લખ્યું, “તેઓ હંમેશાં મારા માટે ખૂબ સહયોગી રહ્યા. મેં જે કંઈ કર્યું તેમાં તેમણે હંમેશાં મને પ્રોત્સાહન આપ્યું અને જ્યારે પણ મને તેમની જરૂર પડી, તેઓ મારા સાથે રહ્યા. તેમના સતત સહકાર અને ઉપસ્થિતિની ખામી મને હંમેશાં ખટકતી રહેશે. હું તેમની પત્ની અનિતા જી માટે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું, જે તેમના જીવનની પ્રકાશકિરણ હતી.”