ઓલિમ્પિયન કુસ્તીબાજ વિનેશ ફોગાટે ભારતીય કુસ્તી સંઘ (WFI) ના પૂર્વ પ્રમુખ બ્રજભૂષણ શરણ સિંહ પર ફરી એકવાર ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને વિનેશે જે વાતો કહી છે તે અહીં પ્રસ્તુત છે. વિનેશે જણાવ્યું કે, જેમ તમે બધા જાણો છો કે છેલ્લા દોઢ વર્ષથી હું રેસલિંગ મેટથી દૂર હતી, પરંતુ થોડા મહિના પહેલા જ મેં ફરીથી કુસ્તીની તૈયારી શરૂ કરી દીધી હતી
. હું પૂરી મહેનત અને ઈમાનદારીથી પ્રયાસ કરી રહી છું જેથી ફરીથી દેશ માટે મેડલ જીતી શકું અને તિરંગાનું માન વધારી શકું.આજે એક મહિના પહેલા કુસ્તી ફેડરેશન દ્વારા રેન્કિંગ ટૂર્નામેન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ યુપીના ગોંડામાં આયોજિત કરવામાં આવી રહી છે, જ્યાં બ્રજભૂષણનું ઘર છે અને તેની પોતાની ખાનગી કોલેજ છે. વિનેશે ચિંતા વ્યક્ત કરી કે ત્યાં મહેનત કરનાર ખેલાડીને તેનો હક મળવો અશક્ય છે. કયો રેફરી કોની મેચમાં જશે, કોણ કેટલા પોઈન્ટ્સ આપશે
અને કોને જીતાડવા કે હરાવવા તે બધું જ બ્રજભૂષણ અને તેના માણસો દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. વિનેશે આરોપ લગાવ્યો કે સરકાર અને ખેલ મંત્રાલય આ બધું મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે, જાણે બ્રજભૂષણને છૂટો દોર આપી દીધો હોય.વિનેશે વધુમાં જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા અમે જાતીય સતામણી સામે અવાજ ઉઠાવ્યો હતો, જેનો કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પીડિતની ઓળખ છુપાવવી જોઈએ, પરંતુ આજે મજબૂરીમાં મારે જણાવવું પડે છે કે જે છ મહિલા ખેલાડીઓએ ફરિયાદ કરી હતી, તેમાંની એક પીડિત હું પોતે પણ છું. બ્રજભૂષણના ઘરે જઈને સ્પર્ધા લડવી માનસિક રીતે ખૂબ જ દબાણજનક છે. બ્રજભૂષણ આજે પણ કહે છે
કે ફેડરેશન પર તેનો જ દબદબો છે. જો આ સ્પર્ધામાં મારી કે મારી ટીમ સાથે કોઈ અકસ્માત થશે, તો તેના માટે સીધી રીતે ભારત સરકાર જવાબદાર રહેશે. વિનેશે કહ્યું કે તે કોઈ ખાસ સુવિધા નથી ઈચ્છતી, માત્ર એટલું ઈચ્છે છે કે ખેલાડીની મહેનતના આધારે મેટ પર ન્યાય થાય.વિનેશ ફોગાટ હાલ હરિયાણાના જુલાનાથી કોંગ્રેસના ધારાસભ્ય છે, જ્યારે બ્રજભૂષણ ભાજપના પૂર્વ સાંસદ છે. સોશિયલ મીડિયા પર આ બાબતે લોકોના મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. કેટલાક યુઝર્સ વિનેશને ટેકો આપી રહ્યા છે
અને લડત ચાલુ રાખવા કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને રાજનીતિ ગણાવી રહ્યા છે અને તેના પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે.વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં થયો હતો. તે પહેલવાન રાજપાલ ફોગાટની પુત્રી છે અને ગીતા-બબિતા ફોગાટ તેની પિતરાઈ બહેનો છે. વિનેશે અત્યાર સુધી કુસ્તીની વિવિધ સ્પર્ધાઓમાં કુલ 16 મેડલ જીત્યા છે, જેમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તમે વિનેશ ફોગાટ વિશે શું વિચારો છો? અમને કોમેન્ટમાં જરૂર જણાવશો.