ઋષિ કપૂરના અવસાન પછી નીતુ કપૂરની જિંદગી સાવ બદલાઈ ગઈ છે. કામ પર પરત ફર્યા ત્યારે લોકોએ તેમની ટીકા કરી અને સમાજના મેણાં-ટોણાંએ તેમના જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું. ઋષિ કપૂરના નિધન ના ૬ વર્ષ બાદ નીતુ કપૂરનું દર્દ છલકાયું છે
અને તેમણે ફિલ્મોમાં વાપસી કરવાનું અસલી કારણ જણાવ્યું છે.વર્ષ ૨૦૨૦માં જ્યારે ઋષિ કપૂરનું અવસાન થયું ત્યારે આખો કપૂર પરિવાર ભાંગી પડ્યો હતો. નીતુ કપૂરે જણાવ્યું કે પતિના અવસાન બાદ જ્યારે તેમણે પોતાને સંભાળવા માટે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું,
ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. લોકો કહેતા હતા કે પતિના ગયા પછી તરત જ તે ફિલ્મોમાં પાછી આવી ગઈ, પણ કોઈ તેમની જિંદગીની સચ્ચાઈ જાણતું નહોતું.સોહા અલી ખાનના પોડકાસ્ટમાં નીતુ કપૂરે જણાવ્યું કે તેઓ થેરાપીમાં વિશ્વાસ નથી રાખતા, પણ તેમનું માનવું છે કે માણસે પોતાની તાકાતથી મુશ્કેલીઓમાંથી બહાર આવવું જોઈએ. ઋષિજીના ગયા પછી તેઓ અંદરથી તૂટી ગયા હતા, તેથી આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તેમણે કામનો સહારો લીધો.
તેમણે ‘જુગ જુગ જિયો’ ફિલ્મ કરી અને ‘ઈન્ડિયન આઈડલ’ જેવા શો કર્યા જેથી તેઓ એકલતામાંથી બહાર આવી શકે.તેમણે આગળ કહ્યું કે લોકોની વાતો સાંભળીને ખૂબ તકલીફ થતી હતી, પણ પરિવાર અને મિત્રોએ તેમને સતત પ્રોત્સાહિત કર્યા કે
તેઓ ઘરે બેસી રહેવાને બદલે લોકોને મળે અને કામ કરે. હાલમાં જ નીતુ કપૂરની નવી ફિલ્મ ‘દાદી કી શાદી’ રિલીઝ થઈ છે, જેમાં તેમની દીકરી રિદ્ધિમા કપૂર સાહની પણ ડેબ્યૂ કરી રહી છે અને કપિલ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.