એ તો તમે જાણતા જ હશો કે જેમ ઘરેણાંમાં સોનું સૌથી મોંઘુ હોય છે તેમ ખાદ્ય વસ્તુઓમાં કેસર સૌથી મોંઘુ ગણવામાં આવે છે. તમે દરેકે કેસર ક્યારેક ને ક્યારેક જોયું હશે, દૂધમાં નાખી કે મીઠાઈ પર ક્યારેક તેને ખાધુ પણ હશે. તમે તેના ભાવ અંગે અને તેની સૌથી વધુ ખેતી ક્યા કરવામાં આવે છે તે અંગે પણ જાણતા જ હશો, પરંતુ શું તમે એ જાણો છો કે આ સૌથી મોંઘુ ગણાતું કેસર તમે જાતે વાવી શકો છો અને તે પણ તમારા ઘરમાં.
તમને થશે કે શું ધડમાથા વિનાની વાતો કરી રહ્યા છો એવું જ હોય તો કેટલાય લોકો કેસર પોતાના ઘરમાં વાવી દીધું હોત, લોકો આમ બજારમાં ૧૦ હજાર રૂપિયા ખર્ચવા શું કામ જાય. ખરું ને? તો, તમે એકદમ સાચા છો પહેલાના યુગમાં કેસરની ખેતી ઘરમાં કરવાની વાત શક્ય ન હતી પરંતુ તમને જણાવી દઈએ કે આ ૨૧ મી સદી છે અને આપણું ભારત અને ભારતના યુવાનો બીજા દેશની જેમ ટેક્નોલોજીના વપરાશમાં પ્રગતિ કરી રહ્યા છે.
અત્યાધુનિક ટેકનોલોજી, સોશિયલ મીડિયા વગેરેના યુગમાં હવે ભારતના યુવાનો એ દરેક વાતને શક્ય બનાવી રહ્યા છે જે પહેલા અશક્ય હતી. હાલમાં ભારના અલગ અલગ રાજ્યના યુવાનો પોતાના ઘરમાં કેસરની ખેતી કરતા થયા છે અને ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં પણ આ કેસરનું વેચાણ કરતા થયા છે. આજે આ લેખમાં આવા જ બે ભાઈઓની વાત કરવાના છીએ જેમણે પોતાના ઘરમાં ખેતીની શરૂઆત કરી છે.
આ કહાની છે હિસ્સારના બે ભાઈ નવીન સંધુ અને પ્રવીણ સંધુ. પ્રવીણ સંધુ એ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેમને કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો. પરંતુ કઈ રીતે કરવી?તે અંગે તેમને જાણ ન હતી. જે બાદ બંને ભાઈઓએ યુ ટ્યુબ પર આ અંગે રિસર્ચ કરવાની શરૂઆત કરી. આ રિસર્ચ દરમિયાન તેમને એરોફોનિક પદ્ધતિ અંગે જાણ થઈ. સાથે જ તેમને જાણ્યું કે ઇઝરાયેલમાં ઘણા લોકો આ પદ્ધતિથી કેસરની ખેતી કરી રહ્યા છે.
જે બાદ તેમને આ અંગે વધુ માહિતી મેળવવાની શરૂઆત કરી. ધીમે ધીમે તેમને પોતાના ઘરની અગાસી પર ના નાનકડા રૂમમાં એરોફોનિક પદ્ધતિ વિકસાવી અને તેમાં કેસરની ખેતી કરવાની શરૂઆત કરી. નવીને આ અંગે વાત કરતા જણાવ્યું તેમને શરૂઆતમાં ત્રણ ચાર વાર નિષ્ફળતા પણ મળી પરંતુ હાલમાં તેમની આ જગ્યામાં એક જ રોપામાં ત્રણ ફૂલનું ઉત્પાદન થાય છે.
સાથે જ તેમને કહ્યું કે એકવાર ફૂલ ખીલી જાય પછી તેમાંથી કેસર નીકળી તેના ત્રણ ભાગને અલગ અલગ ભાવમાં વહેચી શકાય છે. નવીને કહ્યું કે કેસરની પૂંછ ૨૦૦૦ રૂપિયામાં વહેચાય છે જ્યારે તેના ટુકડા ૩૦૦૦ સુધીની કિંમતમાં વહેચાય છે. હાલમાં તેઓ કેસરને વિદેશમાં મોકલી ૫ લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે.
વાત કરીએ એરોફોનિક પદ્ધતિ વિશે તો આ પદ્ધતિમાં કેસરને પાણી કે માટી વિના માત્ર ભેજવાળી હવા આપીને ઉગાવી શકાય છે. જેના માટે ૧૫ઓગસ્ટ થી ૨૫ સપ્ટેમ્બરનો સમયગાળો યોગ્ય રહે છે. સાથે જ જણાવી દઈએ કે, બીજ નાખવાથી લઈને કેસર બનવા સુધીમાં ૩ મહિના જેટલો સમય લાગી જાય છે. વાત કરીએ આ પ્રકારની ખેતીમાં થતા ખર્ચ અંગે તો ટેકનોલોજી માટે કુલ ૧૦ લાખ રૂપિયાનું રોકાણ જરૂરી છે. આ પદ્ધતિ વિકસાવ્યા બાદ તમે કેસરનું માત્ર ભારતમાં વેચાણ કરીને પણ મહિનાના ૩ લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.