આજના યુગમાં જ્યા એક તરફ લોકો પ્રાણીઓને બચાવવાની વાતો કરી ને નોનવેજની મજા માણતા જોવા મળી રહ્યા છે ત્યારે આ દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જે પ્રાણીઓની તકલીફો ઓછી કરવા માટે નવી નવી પદ્ધતિઓ વિકસાવી દેશનું નામ આગળ વધારી રહ્યા છે.
આજે આવા જ કેટલાક લોકો વિશે અમે તમને આ લેખમાં જણાવીશું અને તમને જણાવીશું કે કઈ રીતે બળદગાડા ને જોયા બાદ પાંચ વિદ્યાર્થીઓ એ બદલાવ લાવવાનો નિર્ણય કર્યો. તો આ વાત છે મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી માં આવેલ આર આઇ ટી કોલેજના ઓટોમોબાઇલ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા પાંચ મિત્રોની.

એક સમયે આ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા આકાશ કદમ સ્વરૂપ ભોંસલે સહિત અન્ય ત્રણ મિત્રો ની નજર કોલેજ નજીક આવેલી શુગર ફેકટરી પર થતા કામ પર પડી.તેમને જોયું કે ફેકટરી માટે શુગર કેન એક બળદગાડા માં ફરી ને લઈ જવામાં આવી રહ્યો છે. તેમને જોયું કે આ શુગર કેન નો ભાર બળદની ગરદન પર પડી રહ્યો છે. આ જોતા જ તેમને વિચાર આવ્યો કે રસ્તામાં આવતા સ્પીડ બ્રેકર પર બળદોને મુશ્કેલી પડતી હશે વધુ વજનને લીધે તેમના પગ વળી જતા હશે અથવા તે પડી જાય તો તેમને ઈજા થઈ શકે છે.
આ વિચાર આવતા જ તેમને આ સમસ્યાનો ઉપાય શોધવાની શરૂઆત કરી.તેમને આ અંગે રિસર્ચ કર્યું.તેમને બળદગાડા માં વધુમાં વધુ કેટલું વજન ભરવામાં આવે છે તે અંગે જોયું, આ ઉપરાંત ખેતર તેમજ રસ્તા બંને જગ્યા પર ઉપયોગ થઈ શકે તેવા નિવારણ અંગે વિચાર્યું. જે બાદ પાંચ લોકોએ મળી એક પ્રોજેક્ટની શરૂઆત કરી જેને સારથી નામ આપવામાં આવ્યું.
આ પ્રોજેક્ટ અંતર્ગત બળદગાડામાં બે પૈડાં ઉપરાંત આગળની બાજુમાં બીજું વધારાનું પૈડું લગાવવામાં આવ્યું. આ પૈડું એ રીતે લગાવવામાં આવ્યું જે 360 ડિગ્રી વળવાને બદલે માત્ર જરૂર પૂરતું જ વળી શકે.આ ઉપરાંત પૈડા સાથે એક એડજેસ્ટેબલ પાઇપ પણ લગાવવામાં આવી જેથી તેની હાઈટમાં વધારો ઘટાડો કરી શકાય. જણાવી દઇએ કે આ ત્રીજુ વધારા નું પૈડું જાતે નીકાળી શકાય છે અને જરૂર સમયે ફરી લગાવી પણ શકાય છે.હાલમાં આ મિત્રોએ આ પ્રોજેક્ટ ની પેટર્ન રજીસ્ટર કરાવવા માટે અપ્લાય કર્યું છે. જો આ પ્રોજેક્ટ અપ્રુવ થયો તો જલ્દી જ આ ટેકનોલોજી બજારમાં જોવા મળશે અને ખેડૂતો પોતાના બળદો માટે તેને ખરીદી પણ શકશે.