આજના યુગમાં જ્યા યુવાનો દરેક સુખ સુવિધા મળ્યા બાદ પણ પોતાની નાની જરૂરિયાત પૂરી ન થવા પર માબાપને દોષ આપતા જોવા મળે છે ત્યારે આ દુનિયામાં ઘણા એવા લોકો પણ છે જેમની પાસે કોઈ સુખ સુવિધા ન હોવા છતાં, કોઈ ઓળખાણ ન હોવા છતાં સફળતા મેળવી પોતાના પરિવારનું નામ રોશન કરે છે આવા જ કેટલાક લોકોમાંથી એક છે હિમાલી નકુમ. આજની યુવતીઓ જ્યા સોશિયલ મીડિયા પર સમય વેડફી ક્યારેક ન કરવાના કામ કરતી હોય છે. એવામાં હિમાલી એ ગામડામાં રહેવા છતાં ભાલા ફેંક ની રમતમાં ગોલ્ડ મેડલ જીતી ન માત્ર પરિવાર પરંતુ રાજ્યનું નામ પણ રોશન કર્યું છે.
વિગતે વાત કરીએ તો મૂળ જનગરના જોડિયા તાલુકાના એક ગામની રહેવાસી અને ખેડૂત પરિવારની દીકરી હિમાલીને બાળપણ થી જ રમત ગમતનો શોખ હતો.તે શાળાના અભ્યાસ દરમિયાન લોંગ જંપ અને બીજી અનેક રમતમાં ટીમ સાથે ભાગ લઈ ચૂકી છે. એટલું જ નહિ તે લોંગ જંપની રમતમાં મેડલ પણ મેળવી ચૂકી છે.
પરંતુ કહેવાય છે ને કે મહેનત કરનારના માર્ગમાં કાંટા તો આવે જ. હિમાલી સાથે પણ આવું જ કઈ થયું. અચાનક જ તેને પિતાની છત્રછાયા ગુમાવી.પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હિમાલી તૂટી ગઈ હતી. કમાણી ના નામે માત્ર ખેતીનો સહારો હોવાના કારણે તે હતાશ થઈ ગઈ હતી. જો કે તેમ છતાં તેને પોતાના શોખને છોડ્યો નહિ. તેને સિંગલમાં રમવાની શરૂઆત કરી. પિતાના મૃત્યુ બાદ હિમાલી એ હિંમત રાખી અને નેપાળના પોખરા ગામમાં યોજાયેલ સ્પર્ધામાં બરછી ( ભાલા) ફેંકમાં ભાગ લીધો. આ સ્પર્ધામાં તેને ગોલ્ડ મેડલ મેળવ્યો.
ખાસ વાત તો એ છે કે હિમાલીના ગામમાં તાલીમ કે પ્રેક્ટિસ માટે કોઈ ખાસ સુવિધા નથી. તેમજ તેની પાસે પોતાનો ભાલો પણ નથી. જો કે હિમાલી ના જણાવ્યા અનુસાર તેના શિક્ષકો , તેના કોચ તેને આ બાબતે ખૂબ જ મદદ કરે છે અને તેમની સલાહ થી જ તે આજે આગળ વધી છે. પરંતુ કહેવાય છે ને મદદ વિના સીડી ચડી શકાય પહાડ ચડવા માટે તો સહારો જોઈએ જ. હિમાલીનું પણ આવું જ કઈ છે તે એકલા હાથે સીડી તો ચડી છે પરંતુ સફળતાના પહાડ ચડવા માટે તેને કોઈની મદદની જરૂર છે જે તેને સ્પોન્સર કરી શકે.