રોડ અકસ્માતમાં જાણીતા એક્ટરનું નિધન થયું છે. પૂરઝડપે જઈ રહેલી કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 31 વર્ષીય એક્ટરે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. મૃત્યુના આ આઘાતજનક સમાચારથી મનોરંજન જગત અને ચાહકોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
આ દુખદ સમાચાર તેલુગુ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર અને યુટ્યુબર ભરતકાંત વિશે છે. રવિવારે 10 મેની સવારે થયેલા આ ભયાનક અકસ્માતમાં ભરતકાંતની સાથે તેમના કેમેરામેન ત્રિલોકનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે
.અહેવાલો અનુસાર, એક્ટરની કાર પૂરઝડપે જઈ રહી હતી અને રસ્તા પર આગળ જઈ રહેલી ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકોના કાળજા કંપી ઉઠ્યા છે. પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબર અને અન્ય સામાનના આધારે એક્ટરના નિધનની પુષ્ટિ કરી છે.
31 વર્ષીય ભરતકાંતની એક્ટિંગ કારકિર્દી અત્યારે સફળતાના શિખરો સર કરી રહી હતી, પરંતુ આ અકસ્માતે બધું જ છીનવી લીધું. હાલમાં ચાહકો અને ઈન્ડસ્ટ્રીના લોકો નમ આંખે એક્ટર ભરતકાંત અને કેમેરામેન ત્રિલોકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.