નવી દિલ્હી(NewDelhi) : ભ્રષ્ટ (Corrupts) દેશોની (Country) યાદી (List) જાહેર કરનાર સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે (Transparency International) મંગળવારે તા. 30 જાન્યુઆરી 2024ના રોજ વર્ષ 2023 માટે ગ્લોબલ કરપ્શન લિસ્ટ (Global Corruption List) જાહેર કરી છે. 180 દેશોની યાદીમાં ભારત 8 સ્થાન નીચે 93માં સ્થાને પહોંચ્યું છે. એટલે કે ભારત કરતાં 87 દેશોમાં વધુ ભ્રષ્ટાચાર છે. તેનો અર્થ એવો પણ થાય કે ભારતમાં વિશ્વના 92 દેશો કરતાં વધુ ભ્રષ્ટાચાર છે.
180 દેશોની યાદીમાં બે તૃતીયાંશથી વધુ દેશોનો સ્કોર 50થી નીચે છે. એટલે કે બે તૃતીયાંશથી વધુ દેશોમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારનો સરેરાશ સ્કોર 43 છે. રિપોર્ટ અનુસાર જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારમાં સૌથી ઓછો સુધારો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ (CPI) 2023 દર્શાવે છે કે મોટાભાગના દેશોએ જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારને નાથવામાં થોડો કે કોઈ સુધારો કર્યો નથી. આ યાદી જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના આધારે તૈયાર કરવામાં આવી છે. શૂન્યનો સ્કોર એટલે સૌથી ભ્રષ્ટ અને 100નો સ્કોર એટલે સૌથી પ્રામાણિક.
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ડેનમાર્કને સૌથી ઓછો ભ્રષ્ટ દેશ ગણાવવામાં આવ્યો છે. આ સતત છઠ્ઠું વર્ષ છે જ્યારે ડેનમાર્ક ટોચનું સ્થાન ધરાવે છે. ન્યાય પ્રણાલીમાં સારી સુવિધાઓના કારણે ડેનમાર્કે 100માંથી 90નો સર્વોચ્ચ સ્કોર મેળવ્યો છે. જ્યારે ફિનલેન્ડ અને ન્યુઝીલેન્ડ અનુક્રમે 87 અને 85ના સ્કોર સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. આ વર્ષે ટોચના 10 દેશોમાં નોર્વે (84), સિંગાપોર (83), સ્વીડન (82), સ્વિટ્ઝર્લેન્ડ (82), નેધરલેન્ડ (79), જર્મની (78) અને લક્ઝમબર્ગ (78)નો સમાવેશ થાય છે.
આ યાદીમાં સૌથી નીચે સોમાલિયા (11), વેનેઝુએલા (13), સીરિયા (13), દક્ષિણ સુદાન (13) અને યમન (16) છે. આ તમામ દેશો લાંબા સમયથી સશસ્ત્ર સંઘર્ષોથી પ્રભાવિત છે. નિકારાગુઆ (17), ઉત્તર કોરિયા (17), હૈતી (17), વિષુવવૃત્ત ગિની (17), તુર્કમેનિસ્તાન (18) અને લિબિયા (18)માં પણ ભ્રષ્ટાચાર તેની ટોચ પર છે.
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર આ વર્ષે ભારત 93માં સ્થાને છે. CPI માર્કિંગમાં ભારતને 100માંથી 39 અંક આપવામાં આવ્યા છે. ગયા વર્ષે 2022માં ભારત 85માં સ્થાને હતું. જ્યારે સીપીઆઈ માર્કિંગમાં 40 માર્ક્સ આપવામાં આવ્યા હતા. આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાન 134માં સ્થાને છે. CPI માર્કિંગમાં પાકિસ્તાનને 29 પોઈન્ટ મળ્યા છે. જ્યારે શ્રીલંકાને 34 પોઈન્ટ મળ્યા છે. અફઘાનિસ્તાન અને મ્યાનમારને 20 પોઈન્ટ, ચીનને 42 પોઈન્ટ અને બાંગ્લાદેશને 24 પોઈન્ટ મળ્યા છે.