કોને ખબર હતી કે એક સમયે બધાને હુકમ આપનાર રાજા આટલું સામાન્ય જીવન પણ જીવી શકે એમ છે દેશમાં લોકશાહી પ્રસ્થાપિત થઈ ચૂકી છે પણ અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં હજુપણ રાજાઓનું શાસન લોકતાંત્રિક ઢબે ચાલી રહ્યું છે. જેમાં રાજ્ય સરકાર આજે પણ અહીંના રાજાઓને માનપાન અને સાલીયાણું દર વર્ષે નિયમિત આપતી આવી છે. રાજ્ય સરકાર દ્વારા અહીં દર વર્ષે ડાંગ દરબાર યોજી રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે.
ત્યારે ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આ રાજાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે રાજાઓને આપવામાં આવતા સલિયાણામાં વધારો કરવામાં આવ્યો હતો. જેને લઇ રાજા સાથે પ્રજામાં પણ ખુશીની લહેર જેવા મળી હતી. દર વખતની જેમ આ વખતે પણ રાજાની શાહી સવારી કલેક્ટર કચેરીએથી નીકળી ડાંગના મુખ્ય બજારમાં ફરી હતી. જેમાં વિશાળ સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા.
સને 1842થી ડાંગ જિલ્લા પર શાસન કરતા આદિવાસી રાજવી પરિવાર માટે ડાંગ દરબારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. દર વર્ષની જે આ વખતે પણ ડાંગના રાજાઓ માટે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું. જે પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે ડાંગના પાંચ રાજાઓને સાલ પહેરાવી જાહેર સન્માન કર્યું હતું અને રાજકીય સાલીયાણા પેટે નિશ્ચિત કરેલ રકમ આપી હતી. બદલામાં રાજાઓએ પણ અતિથિ દેવોભવ કહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સ્વાગત અને સન્માન કર્યું હતું.
આપને જણાવી દઈએ કે, આઝાદી પછી દેશના તમામ રાજાઓના સાલિયાણા બંધ કરાયા છે, પરંતુ કદાચ દેશમાં માત્ર ડાંગના આ રાજાઓ જ હશે જેમને પોલિટિકલ પેન્શન એટલે કે સાલિયાણું સરકાર તરફથી માનભેર ચૂકવવામાં છે. 1954થી ડાંગના રાજાઓને પોલિટિક્લ પેન્શન આપવામાં આવે છે. માત્ર આ પાંચ રાજાઓ જ નહીં પણ ડાંગના નાયકો અને ભાઉબંધોને પણ સાલિયાણું ચૂકવાય છે. ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શનની વાર્ષિક રકમ દર વર્ષે ડાંગ દરબારમાં ચૂકવાય છે.
જેમાં કિરણસિંગ યશવંતરાવ પવારને વાર્ષિક 2,32,650 રૂપિયા સાલિયાણું ચૂકવવામાં આવે છે. જ્યારે ત્રિકમરાવ સાહેબરાવ પવારને 1,91,246 રૂપિયા, છત્રસિંગ ભવરસિંગને 1,75,666 રૂપિયા, તપનરાવ આવંદરાવ પવારને 1,58,386 રૂપિયા, ધનરાજ ચંદ્રસિંગ સૂર્યવંશીને 1,47,553 રૂપિયા પોલિટિકલ પેન્શન ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત 452 નાયક અને ભાઉબંધોને 63,34,073 રૂપિયા વાર્ષિક પોલિટિકલ પેન્શન ચૂકવવામાં આવે છે.