વારાણસી(Varanasi) : વારાણસી જિલ્લા અદાલતે (Court) હિન્દુ (Hindu) પક્ષની તરફેણમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના (Gyanvapi) વ્યાસ ભોંયરામાં પૂજા (Puja) કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.
આ ભોંયરું મસ્જિદની (Mosque) નીચે છે. હવે અહીં નિયમિત પૂજા થશે. આ પૂજા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હિન્દુ પક્ષે તેને મોટી જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. નવેમ્બર 1993 સુધી અહીં પૂજા થતી હતી. તમને જણાવી દઈએ કે, વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ તેહખાનામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈકાલે મંગળવારે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ અનામત રાખ્યો હતો. જેના પર આજે નિર્ણય આવ્યો છે. હિન્દુ પક્ષના એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું, કોર્ટના ચુકાદા બાદ હવે સાત દિવસમાં જ્ઞાનવાપીમાં પુજા શરૂ કરાશે. દરેકને પુજા કરવાનો અધિકાર રહેશે.
મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિના વકીલ અખલાક અહેમદે કહ્યું કે આ નિર્ણય ખોટો છે. અગાઉના આદેશોને નજરઅંદાજ કરીને આ આદેશ આપવામાં આવ્યો છે. તેની સામે અમે હાઈકોર્ટમાં જઈશું.