કહેવાય છે ને જ્યા લાલચ હોય ત્યાં લૂંટારા ઓછા ન પડે. હાલમાં આવું જ કંઈ સરકારી નોકરી બાબતે જોવા મળી રહ્યું છે. હાલમાં યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની લાલચ કેટલી બધી ગઈ છે એ તો તમે જાણતા જ હશો. દરેક યુવાન આજે સરકારી નોકરીની તૈયારી કરતો જોવા મળતો હોય છે અને અનેક પ્રયાસો છતાં નોકરી ન મળવાને કારણે લોકો પૈસા આપીને પણ નોકરી મેળવવા તૈયાર થયા છે. આ જ કારણ છે કે આજે અનેક શહેરોમાં સરકારી નોકરીને લઈ અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે.
હાલમાં જ ગીર સોમનાથમાં સરકારી નોકરીનું એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં યુવાનોને નોકરીના ખોટા લેટર આપી તેમની પાસેથી પૈસા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે વિગતે વાત કરીએ તો સૂત્રાપાડાના ઘંટીયા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ ચૂડાસમા નામના શખ્સ દ્વારા તાલાલા તાલુકાના મોરુકા ગામના એક યુવાનને સરકારી નોકરીની લાલચમાં ખોટો લેટર પકડાવી તેની પાસેથી ૩ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
યુવાનના પિતા કાનજી જીવાવાળા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા આ સમગ્ર મામલો પોલીસની નજરમાં આવ્યો જે બાદ પોલીસે આરોપી અંગે તપાસ શરૂ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર તાલાલા તાલુકાનો યુવક જેઠા ઉર્ફે સુભાષ ચૂડાસમા નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્કનો લેટર લઈ ફરજ પર હાજર થવા કચેરીએ પહોંચ્યો હતો જ્યાં આ લેટર નકલી હોવાનો ખુલાસો થયો હતો એસપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ઘટનામાં ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જે અનુસાર જેઠા ઉર્ફે સુભાષ ચૂડાસમાની સુત્રાપાડા, એકસ આર્મી મેન હરસુખલાલ પુનાભાઇ ચૌહાણની જૂનાગઢ તેમજ નીલકંઠ ઉર્ફ પિંટુ પટેલની કડીમાંથી ધરપકડ કરવામાં આવી છે વધુમાં પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ૨૨ થી વધુ લોકોને ખોટા લેટર આપી અત્યાર સુધીમાં ૯૯૯ લાખ રૂપિયા પડાવી લીધા છે. તે લોકો પાસે અનેક સરકારી કર્મચારીઓના ખોટી સહીવાળાં લેટર મળી આવ્યા છે.જણાવી દઇએ કે, હાલમાં પોલીસ દ્વારા આરોપીઓ પર કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.