છોટાઉદેપુરના રાજવાસણા ગામે હેરણ નદી પર કોરિયન ટેકનોલોજીથી ગુજરાતનો પ્રથમ રબ્બર ડેમ તૈયાર થઈ રહ્યો છે. 80 કરોડના પ્રોજેક્ટથી તૈયાર થનાર આ ડેમને વાહનના ટાયરની જેમ હવા ભરી કે કાઢીને મિનિટોમાં નાનો મોટો કરી શકાશે. જેના થકી આશરે 50 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળશે
રાજવાસણા ગામે ગુજરાતનો પ્રથમ રબ્બર ડેમ તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. હેરણ નદી પર આધુનિક ટેકનોલોજીથી નિર્માણ પામેલો આ ડેમ રાજ્ય માટે એક નવી સિદ્ધિ માનવામાં આવી રહ્યો છે. દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવેલા વિશેષ રબ્બર બ્લેડરથી સજ્જ આ ડેમમાં જરૂરિયાત મુજબ માત્ર થોડા જ મિનિટોમાં હવા ભરી કે કાઢી તેની ઊંચાઈ નિયંત્રિત કરી શકાય છે. ડેમ પૂર્ણ થતાં ચોમાસામાં વહી જતું પાણી સંગ્રહ થશે અને છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકાના આશરે 50 જેટલા ગામોને પાણી અને સિંચાઈનો મોટો લાભ મળશે.
બોડેલી અને કવાંટ તાલુકામાંથી પસાર થતી હેરણ નદી આવેલ છે. જેના ઉપર હાલમાં છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ગામે ગુજરાતનો પ્રથમ રબ્બર ડેમ તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે. હેરણ નદી પર બની રહેલો આ અત્યાધુનિક ડેમ રાજ્ય માટે એક મહત્વપૂર્ણ સિંચાઈ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. ડેમનું નિર્માણ પૂર્ણ થતાં ચોમાસામાં વહી જતું પાણી ભરાતા આસપાસના વિસ્તારોને હવે સીધો લાભ મળશે.
બોડેલી તાલુકાના રાજ વાસણા સહિતનો વિસ્તાર રેડઝોન વિસ્તાર ગણવામાં આવતો હતો. આ વિસ્તારમાં ચોમાસું પૂરું થતા જ જળ સ્તર નીચે જતા રહેતા વિસ્તાર બંજર બની જતો હતો. પીવાના અને સિંચાઈના પાણીની વિકટ સમસ્યા ઉભી થતી હતી, જે વાતને ધ્યાને લઈ જે તે સમયની રજવાડી સરકારે લોકોની ચિંતા કરી રાજ વાસણા ગામ પાસે હેરણ નદી પર આડ ડેમ બનાવ્યો હતો, પરંતુ સમય જતા આડ ડેમ કાંપ અને માટીથી ભરાઈ જતા નિરર્થક બની ગયો હતો. જેને લઈ ફરી એકવાર પાણીની સમસ્યા ઊભી થઈ હતી. લોકોએ પણ વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી.