પોરબંદરમાં પ્રેમલગ્નનો કરુણ અંત આવ્યો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્નની નોંધણી બાદ અંજલીને લગ્નના પ્રમાણપત્રની જરૂરિયાત ઉભી થઈ હતી. તેણે પતિ પાસે અનેક વખત પ્રમાણપત્ર આપવાની માંગણી કરી હતી.શહેરના છાયા વિસ્તારમાં અંજલી મોદીએ જીવન ટૂંકાવી લીધું હતું. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 20 વર્ષીય યુવતીએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદ લગ્નનું પ્રમાણપત્ર ન મળવાના મુદ્દે માનસિક તણાવ અનુભવ્યો હોવાનો આક્ષેપ છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે પતિ ઋષિક રાજેશ ચૌહાણ સામે આત્મહત્યા માટે
દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદ મુજબ, છાયાના સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતા અશોકભાઈ રમણીકલાલ મોદીની પુત્રી અંજલીએ 8 જુલાઈ, 2025ના રોજ છાયાના નવાપરા વિસ્તારમાં રહેતા ઋષિક રાજેશ ચૌહાણ સાથે પરિવારની જાણ બહાર લગ્ન કર્યા હતા. ત્યારબાદ 19 જુલાઈ, 2025ના રોજ બંનેએ પોરબંદર મહાનગરપાલિકામાં લગ્નની કાયદેસર નોંધણી પણ કરાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્નની નોંધણી બાદ અંજલીને લગ્નના પ્રમાણપત્રની જરૂરિયાત ઉભી થઈ હતી. તેણે પતિ પાસે અનેક વખત પ્રમાણપત્ર આપવાની માંગણી કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે મતભેદ સર્જાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
23 જૂન, 2026ના રોજ અંજલીનું તેના નિવાસસ્થાને જીવન ટૂંકાવી લીધું હતું. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી વિગતો અને મૃતકના પિતાની ફરિયાદના આધારે કમલાબાગ પોલીસે ઋષિક રાજેશ ચૌહાણ સામે ભારતીય કાયદાની સંબંધિત કલમો હેઠળ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના આદેશ મુજબ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.