સરકારી કામ એટલે ધક્કા ખાવાની વાત. આ વાક્ય તમે ક્યારેક ફિલ્મોમાં ડાયલોગ રૂપે તો ક્યારેક મમ્મી પપ્પાના મોઢે પણ સાંભળ્યું જ હશે. પરંતુ હાલમાં આ જ વાક્યની જાળી સાચી સાબિતી આપતો હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં સામે આવેલ આ કિસ્સામાં એક વૃદ્ધ કાકા પોતાના કોઈપણ વાંક ગુના વિના પાછલા દોઢ વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતે વાત કરીએ તો મહેસાણાના દેદીયાસણમાં રહેતા ખેડૂત જોઈતાજી તલાજી ઠાકોરનું લાયસન્સ વર્ષ ૨૦૨૨ ના મે મહિનામાં પૂરું થયું હતું. જેને કારણે ખેડૂતે તમામ ડોક્યુમેન્ટ સાથે લાઇસન્સ રીન્યુ માટે મહેસાણા આર ટીઓ માં અરજી કરી હતી. આ અરજી કરતાં જ ખેડૂતનું લાયસન્સ તેમના ઘરે આવી ગયું હતું. જો કે જ્યારે ખેડૂતે લાયસન્સ જોયું તો તેમની આંખો ફાટી ગઈ કારણ કે, લાયસન્સમાં ફોટો અને નામ કોઈ અન્ય વ્યક્તિને હતા લાયસન્સમાં ભૂલ થઈ હોવાની જાણ થતા જ ખેડૂત તુરંત આરટીઓ પહોચ્યા અને ત્યાં હાજર કર્મચારીને આ ભૂલ અંગે જાણ કરી.
જો કે પોતાના વિભાગ દ્વારા થયેલી ભૂલની જાણ થતાં તેમાં સુધારો કરી આપવા અથવા તે અંગે આગળની પ્રક્રિયા જણાવવાને બદલે કર્મચારીએ ખેડૂતને આ અંગે પાલનપુર આરટીઓમાં જાણ કરવા કહ્યું જો કે વાત આટલે અટકી નહિ. ખેડૂતે પાલનપુર આરટીઓમાં લાયસન્સમાં થયેલી આ ભૂલ અંગે જાણકારી અને પોતાના લાયસન્સમાં સુધારો કરવા અંગે અરજી પણ કરી. તેમ છતાં પાલનપુર આરટીઓમાં દ્વારા આ અંગે કોઈપણ પગલા લેવામાં આવ્યા ન હતા.
હાલમાં જ આ ખેડૂતનો એક વિડિયો સામે આવ્યો હતો. જેમાં પોતાની તકલીફ અંગે વાત કરતા તેમને જણાવ્યું કે ખેડૂતનું ઠંડીને કારણે મોત નિપજે તો લાયસન્સ વિના તેમને વિમાનો કોઈ પણ લાભ આપવામાં આવતો નથી. આજ કારણ છે કે તેઓ પાછલા દોઢ વર્ષથી લાયસન્સ રીન્યુ કરાવવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે તેમ છતાં તેમના લાયસન્સમાં સુધારો કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજમાં ચાલતી બેદરકારીનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ અનેકવાર આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં જાણે સરકારી કર્મચારીઓના પેટનું પાણી પણ ન હલતું હોય તેમ વારંવાર આવા કિસ્સા હજુ પણ સામે આવી રહ્યા છે.