પાછલા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ક્યારેક ખાદ્ય પદાર્થો ના તો ક્યારેક પેટ્રોલના વર્ષો પહેલાના ભાવ અને અત્યારના ભાવ ની ચર્ચા થતી જોવા મળી રહી છે. લોકો હાલમાં પેટ્રોલ તેમજ હોટેલના બિલમાં કેટલો વધારો થયો તેની સરખામણી કરતા જોવા મળી રહ્યા છે. એવામાં હાલમાં વધુ એક વસ્તુના ભાવ સામે આવ્યા છે આ વસ્તુ છે સોનું.

સોનાનું નામ સાંભળતા જ સ્ત્રીઓની આંખોમાં ચમક આવી જતી હોય છે પરંતુ હાલમાં અન્ય તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારા સાથે સોનાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. હાલમાં ગરીબ તો છોડો મધ્યમવર્ગના વ્યક્તિને પણ સોનાના દાગીના લેવા માટે હજાર વાર વિચાર કરવો પડે તેવી હાલત જોવા મળી રહી છે.

આ જ કારણ છે કે હાલમાં સોનાના વર્ષ ૧૯૨૫-૨૬ થી ૧૯૯૬ તેમજ અત્યારના ભાવ સામે આવ્યા છે. વાત કરીએ વર્ષ ૧૯૨૫ ની તો અત્યારે ૬૫ હજારે પહોંચેલ સોનું વર્ષ ૧૯૨૫માં ૧૮.૭૫ પ્રતિ ૧૦ ગ્રામ હતું. વર્ષ ૧૯૨૬માં ૧૮.૪૩ , વર્ષ ૧૯૨૭માં ૧૮.૩૮ હતો. વર્ષ ૧૯૨૮માં આ ભાવ જેમનો તેમ જ રહ્યો હતો.વર્ષ ૧૯૩૦ સુધી સોનાના ભાવમાં નજીવો વધારો નોંધાયો હતો.

જે બાદ વાત કરીએ વર્ષ ૧૯૪૭ ની તો આઝાદીના આ વર્ષમાં સોનાનો પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ ૮૮.૬૨ રહ્યો હતો જે બાદ આ ભાવમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. વર્ષ ૧૯૬૨માં પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧૧૯ રૂપિયા ૭૫ પૈસા એ પહોંચ્યો હતો જોકે આ વર્ષ બાદ સોનાના ભાવમાં થોડાક સમય માટે ઘટાડો નોંધાયો હતો વર્ષ ૧૯૬૬માં સોનાનો પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ ઘટીને ૮૩ રૂપિયા ૭૫ પૈસા થયો હતો.

જોકે સોનાના ભાવમાં આ છેલ્લો ઘટાડો હતો આ ઘટાડા બાદ આજદિન સુધી સોનાના ભાવમાં સતત વધારો નોંધાયો છે વાત કરીએ વર્ષ ૧૯૯૬ની તો આ વર્ષમાં પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫, ૧૬૦ રૂપિયા હતો જે બાદ વર્ષ ૨૦૧૧માં આ ભાવ વધીને ૨૬, ૪૦૦ રૂપિયા થયો હતો.આ ભાવોને જોતા કહી શકાય કે દુનિયા જેમ ટેકનિકલ બનતી જાય છે તેમ મોંઘી પણ થતી જાય છે.