આ વાર્તા કચ્છના અંજારમાં આવેલી સતી તોરલ અને જેસલ જાડેજાની પવિત્ર સમાધિ અને તેમના જીવન પરિવર્તનની છે. સમય બદલાયો છે પણ આજેય લોકો આ સત્ય ઘટનાને યાદ કરે છે. ચાલો આપણે આ આખી વાતને વિગતવાર જાણીએ.ભુજથી લગભગ 40 કિલોમીટરના અંતરે એક ગામ આવેલું છે, જેને આજે આપણે અંજાર તરીકે જાણીએ છીએ. અહીં સતી તોરલ અને જેસલની સમાધિ આવેલી છે. ઇતિહાસ અનુસાર, જેસલ જાડેજા કાઠિયાવાડ અને મારવાડના વિસ્તારમાં લૂંટપાટ કરતો એક ક્રૂર બહારવટિયો અને ડાકુ હતો.
તેના માટે લૂંટફાટ કરવી અને લોકો પર અત્યાચાર કરવો એ એક સામાન્ય બાબત હતી. જેસલને જે પણ વસ્તુ પસંદ આવી જતી, તે તેને ગમે તે ભોગે લૂંટી લેતો હતો.એકવાર જેસલને સતી તોરલના પતિ શાસતિયા કાઠીની તોરી નામની ઘોડી, તોરલ દે સતી અને તેમની કિંમતી તલવાર વિશે જાણ થઈ. આ બધી વસ્તુઓ મેળવવાના પાપના ઈરાદા સાથે જેસલ ગુપ્ત રીતે શાસતિયા કાઠીના ઘરે પહોંચી ગયો અને ઘોડાના તબેલામાં સંતાઈ ગયો. રાત્રિના સમયે જ્યારે શાસતિયા કાઠીના ઘરે ભજન-કીર્તન ચાલી રહ્યા હતા, ત્યારે અંધારામાં એક ઘોડો તોફાન કરવા લાગ્યો. શાસતિયા કાઠીએ ઘોડાને બાંધવા માટે જમીનમાં લોખંડનો ખીલો ઠોક્યો. અંધારાના કારણે આ ખીલો ત્યાં જ સંતાઈને બેઠેલા જેસલની હથેળીની આરપાર નીકળી ગયો.
જેસલ લોહીલુહાણ થઈ ગયો, પણ તેણે પોતાની બહાદુરી બતાવવા માટે અને પકડાઈ ન જવા માટે મોંમાંથી એક ચીસ પણ ન પાડી અને શાંત રહ્યો.જ્યારે ભજન પૂરું થયું અને સવારે પ્રકાશ થયો, ત્યારે શાસતિયા કાઠીએ જોયું કે ખીલો કોઈ માણસના હાથમાં વાગ્યો છે અને તે બીજું કોઈ નહીં પણ કુખ્યાત ડાકુ જેસલ જાડેજા છે. જેસલની આવી અદભુત સહનશક્તિ અને બહાદુરી જોઈને શાસતિયા કાઠી પ્રભાવિત થયા. તેમણે જેસલને પૂછ્યું કે તું અહીં કયા ઈરાદાથી આવ્યો છે? જેસલે સતી તોરલ, તેમની તલવાર અને ઘોડીની માંગણી કરી. શાસતિયા કાઠીએ વચન પાળવા માટે અને જેસલના હૃદય પરિવર્તનની આશા સાથે આ ત્રણેય વસ્તુઓ તેને સોંપી દીધી.સતી તોરલ, ઘોડી અને તલવાર લઈને જેસલ પોતાના વિસ્તાર તરફ પાછો નીકળ્યો. રસ્તામાં તેમણે હોડી દ્વારા દરિયો પાર કરવાનો હતો. અધવચ્ચે દરિયામાં ભયંકર તોફાન આવ્યું. મોજાં ઉછળવા લાગ્યા અને હોડી ડૂબવા લાગી. મોતને સામે જોઈને કાળજું કંપાવનારો ડાકુ જેસલ પણ ધ્રૂજવા લાગ્યો અને ડરી ગયો.
તે વખતે સતી તોરલે જેસલને કહ્યું કે જો તારે આ તોફાનમાંથી બચવું હોય, તો તારા જીવનમાં અત્યાર સુધી કરેલા તમામ પાપો અને કાળા કરતૂતોની મારી સામે કબૂલાત કરી દે.તોરલ દેના વચનોથી પ્રેરાઈને જેસલે રડતા રડતા પોતાના તમામ પાપો જાહેર કરી દીધા. પાપોની કબૂલાત કરતાની સાથે જ જેસલનું હૃદય પરિવર્તન થઈ ગયું અને દરિયાનું તોફાન પણ શાંત થઈ ગયું. જેસલે લૂંટફાટનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવી લીધો અને તે ‘જેસલ પીર’ તરીકે ઓળખાયો.અંજારમાં આજે પણ
જેસલ અને તોરલની સમાધિઓ સાથે-સાથે આવેલી છે. એવી લોકવાયકા અને માન્યતા છે કે આ બંને સમાધિઓ દર વર્ષે જાવના દાણા જેટલી એકબીજાની નજીક સરકે છે. જ્યારે આ બંને સમાધિઓ એકબીજાને સંપૂર્ણપણે અડી જશે, ત્યારે મહાપ્રલય આવશે અને સૃષ્ટિનો અંત આવશે તેવી વાતો પણ લોકોમાં પ્રચલિત છે. આજે પણ હજારો લોકો આ પવિત્ર જગ્યાએ દર્શન કરવા આવે છે.આ ભક્તિ અને સત્યની શક્તિની અદભુત વાર્તા છે. આ સત્ય ઘટના વિશે તમારું શું માનવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ધન્યવાદ.