અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી આ હોરર કોમેડી ફિલ્મે દુનિયાભરમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. સાથે જ તે એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની છે.
જોકે, આ સફળતાની વચ્ચે ફિલ્મ પર કામ કરનારા વેન્ડર્સનું કહેવું છે કે એકતા કપૂરે હજુ સુધી તેમના પૈસા ચૂકવ્યા નથી.’ભૂત બંગલા’ પર કામ કરનારા બે અલગ-અલગ વેન્ડર્સનો દાવો છે કે ફિલ્મ રિલીઝ થયાના ૨૦ દિવસ પછી પણ તેમને ૪૮ લાખ રૂપિયા મળ્યા નથી.
રિપોર્ટ મુજબ, એક વેન્ડરના ૩૦ લાખ અને બીજા વેન્ડરના ૧૮ લાખ રૂપિયા બાકી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવો વણલખ્યો નિયમ છે કે ફિલ્મ બન્યાના ૯૦ દિવસમાં પેમેન્ટ ક્લિયર થઈ જવું જોઈએ, પરંતુ ખૂબ ઓછા લોકો આનું પાલન કરે છે. વેન્ડર્સનું કહેવું છે કે ફિલ્મ રિલીઝ થયા પછી પ્રોડ્યુસર પાસેથી પૈસા કઢાવવા મુશ્કેલ બની જાય છે.વેન્ડર્સ એટલે એ લોકો જે ફિલ્મ બનાવવા માટે જરૂરી સામાન પૂરો પાડે છે, જેમ કે સેટ પરનું જમવાનું, શૂટિંગ માટેના સાધનો કે કેમેરા જેવી વસ્તુઓ ભાડે આપનારા લોકો.
વેન્ડર્સનો આરોપ છે કે પ્રોડ્યુસર્સ કલાકારો અને ક્રૂ મેમ્બર્સને તો ફટાફટ પૈસા આપી દે છે, પણ વેન્ડર્સના પૈસા મહિનાઓ સુધી લટકાવી રાખે છે.બીજી તરફ એકતા કપૂરની કંપની બાલાજી મોશન પિક્ચર્સે આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.
કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેમણે કરાર મુજબ તમામ પ્રોજેક્ટ્સનું પેમેન્ટ કરી દીધું છે. એટલે કે તેમણે પૈસા ચૂકવવાની ના પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે ‘ભૂત બંગલા’ એ ભારતમાં ૧૪૮ કરોડ અને વિશ્વભરમાં કુલ ૨૧૧ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ, રાજપાલ યાદવ અને વામિકા ગબ્બી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.