.—આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય કન્નડ અને હિન્દી સિનેમાની એક એવી પ્રસિદ્ધ અભિનેત્રી, નિર્માતા અને સામાજિક કાર્યકર્તાની, જેમણે પોતાની સુંદરતા અને આકર્ષક વ્યક્તિત્વથી દુનિયાભરમાં નામ બનાવ્યું. પરંતુ તેમના જીવન સાથે એવી ભયાનક ઘટના જોડાઈ ગઈ કે ભારતીય સિનેમાના ૧૧૧ વર્ષના ઈતિહાસમાં તેમને એકમાત્ર શહીદ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે.આ અભિનેત્રીનું નામ હતું સ્નેહલતા રેડ્ડી.સ્નેહલતા રેડ્ડીનો જન્મ વર્ષ ૧૯૩૨માં આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ એક ધર્માંતરિત ઈસાઈ પરિવારમાં જન્મ્યા હતા. બાળપણથી જ તેમણે દુઃખ અને અભાવ જોયો હતો.
આસપાસ અંગ્રેજ શાસનના અત્યાચાર જોયા બાદ તેમનું મન દેશભક્તિ અને ક્રાંતિ તરફ વળ્યું. તેમણે પોતાનું ઈસાઈ નામ બદલીને ભારતીય નામ સ્નેહ રાખ્યું અને ભારતીય વસ્ત્રો અપનાવ્યા.કોલેજ સમયમાં તેઓ સ્વતંત્રતા આધારિત નાટકોમાં સક્રિય રહ્યા. બાદમાં તેઓ મદ્રાસ પ્લેયર્સ નામના થિયેટર જૂથ સાથે જોડાયા. અહીંથી તેમની ઓળખ કન્નડ ફિલ્મ નિર્દેશક પટ્ટાભી રામ રેડ્ડી સાથે થઈ. બંનેના વિચારો મળતાં લગ્ન કર્યા અને લગ્ન બાદ સ્નેહલતાએ ફિલ્મોમાં કામ શરૂ કર્યું.
તેમણે સમાજની કુપ્રથાઓ સામે અવાજ ઉઠાવતી ફિલ્મોમાં કામ કર્યું. તેમની સૌથી પ્રસિદ્ધ ફિલ્મ હતી સંસ્કાર, જે વર્ષ ૧૯૭૧માં બની હતી. આ ફિલ્મને સેન્સર બોર્ડે ચાર વર્ષ સુધી અટકાવી રાખી હતી. કોર્ટની મંજૂરી બાદ ફિલ્મ રિલીઝ થઈ અને દેશ-વિદેશમાં અનેક પુરસ્કારો જીત્યા. આ ફિલ્મે સ્નેહલતા રેડ્ડીને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી.ફિલ્મો બાદ તેમણે બેંગલુરુ અને મદ્રાસમાં થિયેટર શરૂ કર્યા, જ્યાં મહિલાઓ પર થતા અત્યાચાર અને સામાજિક અણ્યાય સામે અવાજ ઉઠાવવામાં આવતો.
આ કારણે તેઓ અભિનેત્રી ઉપરાંત સામાજિક કાર્યકર્તા તરીકે પણ જાણીતા બન્યા.આ સમય દરમિયાન તેમની ઓળખ સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા હતી. પરંતુ આ મિત્રતાએ આગળ જઈને સ્નેહલતા રેડ્ડીનું જીવન નરક બનાવી દીધું.૨૫ જૂન ૧૯૭૫ના રોજ દેશ પર ઇમરજન્સી લાદવામાં આવી. સરકાર વિરુદ્ધ બોલનાર નેતાઓ અને કાર્યકર્તાઓને જેલમાં નાંખવામાં આવ્યા. જ્યોર્જ ફર્નાન્ડિસ અંડરગ્રાઉન્ડ થઈ ગયા. સરકારને શંકા હતી કે સ્નેહલતા તેમને મદદ કરી રહ્યા છે.૨૭ એપ્રિલ ૧૯૭૬ના રોજ સ્નેહલતા રેડ્ડીને બરોડા ડાયનામાઇટ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા અને મીસા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી. વાસ્તવમાં તેમના વિરુદ્ધ કોઈ પુરાવો ન હતો. સરકાર તેમને જ્યોર્જ ફર્નાન્ડિસ વિશે માહિતી મેળવવા દબાણ કરી રહી હતી.
સ્નેહલતાને બેંગલુરુ સેન્ટ્રલ જેલની કાળકોટડીમાં રાખવામાં આવ્યા. ત્યાં અંધકાર, ગંદકી, કીડા અને દુર્ગંધ વચ્ચે તેમને રહેવું પડ્યું. અસ્થમા જેવી ગંભીર બીમારી હોવા છતાં તેમને સારવાર આપવામાં આવતી ન હતી. પૂછપરછના નામે તેમના પર માનસિક અને શારીરિક અત્યાચાર કરવામાં આવ્યા.જેલમાં તેમને અત્યંત ખરાબ ખોરાક આપવામાં આવતો. અનેક વખત કપડાં ઉતારવાની યાતના આપવામાં આવી. તેમની ચીખો જેલમાં બંધ અન્ય નેતાઓ સુધી પહોંચતી હતી.આઠ મહિના પછી તેમની હાલત અત્યંત ગંભીર બની.
તેમને વિક્ટોરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરિવાર જ્યારે મળવા ગયો ત્યારે તેઓ હાડપિંજર સમાન દેખાતા હતા. શરીર પર મારપીટના નિશાન હતા.થોડા દિવસોની સારવાર બાદ ફરી જેલમાં મોકલવામાં આવ્યા. અંતે જાન્યુઆરી ૧૯૭૭માં ગંભીર હાલતમાં તેમને પેરોલ પર છોડવામાં આવ્યા. પરંતુ જેલના ત્રાસની માનસિક પીડા તેમને સતત સતાવતી રહી.૨૦ જાન્યુઆરી ૧૯૭૭ના રોજ, જેલમાંથી છૂટ્યા બાદ માત્ર પાંચ દિવસમાં તેમનું અવસાન થયું.સ્નેહલતા રેડ્ડી વિરુદ્ધ ક્યારેય કોઈ ચાર્જશીટ સાબિત થઈ ન હતી.
છતાં તેમને આઠ મહિના સુધી અમાનવીય યાતનાઓ સહન કરવી પડી. તેમની દીકરી નંદા રેડ્ડી, જે આજે પત્રકાર અને સામાજિક કાર્યકર્તા છે, તેમની માતાની મૃત્યુને હત્યા માને છે.સ્નેહલતા રેડ્ડીએ જેલમાં પોતાના પર થયેલા અત્યાચાર વિશે લખેલું પત્ર બાદમાં પ્રકાશિત થયું. આજે પણ ભારતીય રાજકારણ અને સંસદમાં તેમનું નામ આંદોલન અને ઇમરજન્સીના શહીદ તરીકે યાદ કરવામાં આવે છે.સ્નેહલતા રેડ્ડી હવે આપણા વચ્ચે નથી, પરંતુ દક્ષિણ ભારતીય સિનેમામાં અને ભારતીય લોકશાહીના ઈતિહાસમાં તેમનું નામ સદાય સન્માન સાથે લેવાય છે.