તામિલનાડુના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ભારે મથામણ ચાલી રહી છે. વિજય વારંવાર ગવર્નરને મળી રહ્યા છે, પરંતુ 118નો જાદુઈ આંકડો હજુ સુધી મેળવી શક્યા નથી. તેઓ 116 ધારાસભ્યોની સહી લઈને ગવર્નર પાસે ગયા હતા, પરંતુ ગવર્નરે તેમને પરત મોકલી દીધા છે. આજે મુખ્યમંત્રી પદના શપથ લેવાના હતા અને વિજય નવા મુખ્યમંત્રી બનવાના હતા, પરંતુ તે કાર્યક્રમ હાલ ટળી ગયો છે.
આ દરમિયાન એક નવું નામ અને નવી એન્ટ્રી સામે આવી છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે જો વિજય રાજકારણમાં આવી શકે અને મુખ્યમંત્રીના મજબૂત દાવેદાર બની શકે, તો પંજાબમાં દિલજીત દોસાંજ આવું કેમ ન કરી શકે? આ અંગે ચાલી રહેલી અટકળો પર હવે દિલજીતની પ્રતિક્રિયા આવી છે
.તામિલનાડુમાં મોટું રાજકીય ડ્રામા ચાલી રહ્યું છે. વિજય (ટીવીકે) બહુમતી સાબિત કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમની પાસે ટીવીકેના 108, કોંગ્રેસના 5 અને સીપીઆઈ-સીપીઆઈએમના 4 ધારાસભ્યો મળીને કુલ 116નું સમર્થન છે, પરંતુ બહુમતી માટે હજુ પણ બે ધારાસભ્યો ખૂટે છે. વીસીકે સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ તેઓ ડેપ્યુટી સીએમ પદની માંગ કરી રહ્યા છે.આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે દિલજીત દોસાંજને પણ પંજાબના રાજકારણમાં ઉતરવું જોઈએ. ‘પંજાબી ટ્રિબ્યુન’ અખબારના એક અહેવાલ મુજબ, નિવૃત્ત સૈનિકો અને અધિકારીઓના એક જૂથે દિલજીતને રાજકારણમાં આવવા અપીલ કરી હતી.
તેઓનું માનવું હતું કે જે રીતે તામિલનાડુમાં વિજયને મોટું જનસમર્થન મળ્યું છે, તેવું જ સમર્થન પંજાબમાં દિલજીતને મળી શકે છે.જોકે, દિલજીત દોસાંજે આ અહેવાલને રીટ્વિટ કરીને પંજાબીમાં જવાબ આપ્યો “કદે વી નહીં” (ક્યારેય નહીં). તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું કામ મનોરંજન કરવાનું છે
અને તેઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ ખુશ છે. તેમણે રાજકારણમાં આવવાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. પ્રશંસકોએ પણ દિલજીતના આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે તે પોતાના ક્ષેત્રમાં જ શ્રેષ્ઠ છે.આમ, એક તરફ તામિલનાડુમાં વિજય મુખ્યમંત્રી બનવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તો બીજી તરફ દિલજીતે રાજકારણના દરવાજા પોતાના માટે અત્યારે બંધ કરી દીધા છે.