એક સમય એવો હતો જ્યારે વાસુ ભગનાની અને ડેવિડ ધવન ની દોસ્તી બોલીવૂડમાં ઉદાહરણ તરીકે આપવામાં આવતી હતી. બંનેએ મળીને ઘણી સુપરહિટ “નંબર વન” ફિલ્મો બનાવી હતી. પરંતુ હવે વાસુ ભગનાનીએ કરેલા ખુલાસાઓએ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. તેમના કહેવા મુજબ, વરુણ ધવન ના કરિયર માટે ડેવિડ ધવને જૂની મિત્રતા પણ ભૂલી નાખી.
ડેવિડ ધવન દ્વારા બનાવાયેલી “કૂલી નંબર વન”, “બીવી નંબર વન” અને “હીરો નંબર વન” જેવી ફિલ્મોના પ્રોડ્યુસર વાસુ ભગનાની જ હતા. વર્ષ 2020માં વરુણ ધવન સાથે બનેલી “કૂલી નંબર વન” ની રીમેક પણ વાસુ ભગનાનીએ જ પ્રોડ્યુસ કરી હતી. પરંતુ આ ફિલ્મથી તેમને ભારે નુકસાન થયું. તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વાસુ ભગનાનીએ જણાવ્યું કે ફિલ્મમાં તેમણે લગભગ 70 કરોડ રૂપિયા રોકાણ કર્યા હતા અને ડેવિડ ધવનને સંપૂર્ણ ફ્રીડમ આપી હતી. છતાં ફિલ્મ ફ્લોપ ગઈ અને તેમને લગભગ 27 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું.
વાસુ ભગનાનીએ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નુકસાન-ફાયદો ચાલતો રહે છે. ત્યારે ડેવિડ ધવને તેમને આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં સાથે કામ કરીને આ નુકસાનની ભરપાઈ કરી લેવામાં આવશે. ત્યારબાદ “બીવી નંબર વન” ની રીમેક બનાવવાનો વિચાર આવ્યો અને રોહિત ધવન એ તેની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું.
છ મહિના સુધી સ્ક્રિપ્ટ પર કામ ચાલતું રહ્યું, પરંતુ કોઈ ખાસ પ્રગતિ દેખાઈ નહીં. જ્યારે વાસુ ભગનાનીએ રોહિત ધવનને પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે સ્ક્રિપ્ટિંગનું કામ હજુ ચાલુ છે અને વધુ સમય લાગશે. વાસુ ભગનાનીએ વિચાર્યું કે ક્રિએટિવ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ, તેથી તેમણે સંપૂર્ણ સમય આપ્યો.
પરંતુ થોડા સમય પછી તેમને ખબર પડી કે ડેવિડ ધવન, વરુણ ધવન અને રોહિત ધવન હવે રમેશ તોરાની સાથે મળીને નવી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ વાતથી વાસુ ભગનાનીને દુઃખ તો થયું, પરંતુ તેમણે કોઈ વિરોધ કર્યો નહીં.
મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે એક વર્ષ બાદ તેમને ખબર પડી કે વરુણ ધવનની નવી ફિલ્મમાં “ચુનરી ચુનરી” ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે “બીવી નંબર વન” ફિલ્મનું લોકપ્રિય ગીત હતું. વાસુ ભગનાનીના કહેવા મુજબ, આ ગીતનો ઉપયોગ કરવા પહેલાં તેમને ન તો જાણ કરવામાં આવી અને ન તો તેમની મંજૂરી લેવામાં આવી.
આ પછી વાસુ ભગનાનીએ કાયદાકીય પગલું ભર્યું અને ફિલ્મને લીગલ નોટિસ મોકલી. તેમનો આરોપ છે કે ગીતના રાઇટ્સ તેમની પાસે છે અને તેમની મંજૂરી વગર તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે જો ડેવિડ ધવન એક ફોન કરીને પરવાનગી માંગતા તો કદાચ તેઓ સહજ રીતે મંજૂરી આપી દેતા. પરંતુ જે રીતે બધું થયું તે તેમને એક મોટા દગા જેવું લાગ્યું.
વાસુ ભગનાનીએ આ પણ જણાવ્યું કે “કૂલી નંબર વન” ના નુકસાન બાદ છેલ્લા બે વર્ષમાં વરુણ ધવને ક્યારેય તેમની સાથે સંપર્ક કર્યો નહીં કે નુકસાનની ભરપાઈ માટે સાથે કંઈક કામ કરવાની વાત પણ કરી નહીં.હાલમાં આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને બોલીવૂડમાં મિત્રતા, વિશ્વાસ અને પ્રોફેશનલ એથિક્સ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.