ભારતીય ફિલ્મ દુનિયામાં નસીરુદ્દીન શાહની ઓળખ એક ઘડાયેલા અભિનેતાની છે. અભિનય સિવાય સમાજ, રાજકારણ અને સિનેમા પરનાં નિવેદનોના કારણે તેઓ સમાચારોમાં છવાયેલા રહે છે.જે ફિલ્મી દુનિયામાં લોકો વિચારી-વિચારીને બોલે છે અથવા તો ચૂપ જ રહે છે, ત્યાં સ્પષ્ટ રીતે પોતાની વાત કહેનાર નસીરુદ્દીન શાહ 20 જુલાઈ, 2026ના દિવસે 76 વર્ષના થઈ જશે.તેમાંથી 50 વર્ષ તેમણે સિનેમાજગતને આપ્યાં છે. 1975માં જ્યારે નસીરુદ્દીન શાહની પહેલી ફિલ્મ ‘નિશાંત’ રિલીઝ થઈ ત્યારે તેઓ ખુશ થવાના બદલે દુઃખી હતા.ત્યારે દૂરદર્શને તેમને અંગ્રેજી અને હિંદી સમાચારવાચક તરીકે રિજેક્ટ કરી દીધા હતા.
એ જ દિવસોમાં તેમનાં એક સહ-અભિનેત્રી સ્મિતા પાટિલ દૂરદર્શન પર મરાઠી સમાચાર વાંચીને પ્રતિષ્ઠા મેળવી રહ્યાં હતાં.બારાબંકીમાં જન્મેલા નસીરુદ્દીન શાહને તેમના પિતા સાથે ક્યારેય બન્યું નહીં. બીજા પિતાઓની જેમ તેમના પિતા પણ ઇચ્છતા હતા કે નસીર એક સારી, પારંપરિક કૅરિયર પસંદ કરે.પોતાની આત્મકથા ‘ઍન્ડ ધૅન વન-ડે’માં નસીરુદ્દીન શાહે લખ્યું છે, “મારા પિતા અંગ્રેજોની જેમ રહેતા હતા. સરધના જેવા કસબામાં પણ તેઓ હૅટ વગર બહાર નીકળતા નહોતા.””તેઓ અમને પૈસા દ્વારા ખરીદી શકાય તેવું સૌથી સારું શિક્ષણ અપાવવા ઇચ્છતા હતા. તેઓ પશ્તો અને ફારસીની સાથે-સાથે સારી અંગ્રેજી પણ બોલતા હતા, પરંતુ તેમણે ક્યારેય અમને પશ્તો કે ફારસી શીખવવાની જરૂરિયાત ન સમજી.”
તેમનો ગુસ્સો જાણીતો હતો, જેની સામે તેમના પિતા પણ ટકી શકતા નહોતા. નસીરે પોતાનાં માતા વિશે લખ્યું છે, “જ્યારે મારા પિતા સાથે મારી વાતચીત બિલકુલ બંધ થઈ ગઈ, મારાં માતા જ મને સહારો આપતાં હતાં.”માની સાથે પોતાના સંબંધ વિશે જણાવતાં તેમણે લખ્યું છે, “જ્યારે મને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો, ત્યારે હું તેમને મારી સાથે રાષ્ટ્રપતિ ભવન લઈ ગયો હતો.””મારા કબાટમાં હજુ સુધી તેમનો એક દુપટ્ટો રાખેલો છે, જેમાં તેમની સુગંધ ભરેલી છે.””મારી જિંદગીમાં સૌથી આનંદદાયક પળ ત્યારે રહેતી જ્યારે તેઓ પોતાના દુપટ્ટાના એક છેડાને પોતાના શ્વાસથી ગરમ કરીને મારી આંખો પર મૂકતાં હતાં.”
અલીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત મેડિકલનો અભ્યાસ કરતાં પાકિસ્તાની નાગરિક પરવીન મોરાદની સાથે થઈ હતી.તે સમયે તેમની ઉંમર 19 વર્ષની હતી, તેમ છતાં તેમણે પોતાનાથી લગભગ 15 વર્ષ મોટાં પરવીનની સામે માત્ર લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો એટલું જ નહીં, બલકે બંનેએ લગ્ન પણ કર્યાં.નસીર લખે છે, “તેઓ દેખાવમાં ખૂબ સુંદર નહોતાં,
પરંતુ તેમનો પહેરવેશ મને આકર્ષિત કરતો હતો. તેઓ ખૂબ જ હસતાં હતાં. અલીગઢના લોકોને બીજાની બાબતોમાં દખલગીરી કરવામાં ઘણી મજા આવતી હતી.””જ્યારે પણ અમે એકબીજાંનો હાથ પકડીને નીકળતાં હતાં, લોકોમાં અંદરોઅંદર ખણખોદ શરૂ થઈ જતી હતી.””1 નવેમ્બર 1969એ અમે ગુપચુપ લગ્ન કરી લીધાં. ઘણા દિવસો પછી મારા પિતાને તે અંગે ખબર પડતાં તેમણે પત્ર લખીને મને ‘ભોળા બેવકૂફ’ કહ્યું.”પરવીનનાં સાવકાં મોટાં બહેન સુરેખા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ભણીને આવ્યાં હતાં. પાછળથી તેમણે ઘણી ફિલ્મો અને ‘બાલિકા વધૂ’ જેવી ટીવી સિરિયલમાં કામ કરીને ઘણી નામના મેળવી.આ દરમિયાન નસીરુદ્દીન શાહે દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ઍડ્મિશન લીધું.ત્યાં તેઓ સ્કૂલના ડાયરેક્ટર અલકાઝીના સંપર્કમાં આવ્યા. અલકાઝીને એ નહોતું ગમતું કે નસીર અભિનયનો અભ્યાસ કરે. તેઓ ઇચ્છતા હતા કે તેઓ દિગ્દર્શનની દિશામાં આગળ વધે.અલકાઝીના વ્યક્તિત્વનાં ઘણાં પાસાંએ નસીર પર ખૂબ અસર કરી.નસીરે લખ્યું, “નાનામાં નાની બાબતો પર તેમની નજર રહેતી હતી.
ડાયરેક્ટર હોવા છતાં પણ તેમનું ધ્યાન શૌચાલયોની સફાઈ પર રહેતું હતું. ઘણી વાર તેઓ પોતે શૌચાલયની સફાઈ કરતા જોવા મળતા હતા.”આ દરમિયાન નસીરને એક પુત્રી જન્મી, હિબા. નસીર પોતાની આત્મકથામાં સ્વીકારે છે કે તેમને પોતાની પુત્રીથી જ ઇર્ષા થવા લાગી.તેમને એ વાત ખટકવા લાગી કે હવે તેઓ પોતાનાં પત્ની પરવીનના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ નથી રહ્યા. પરવીન માટે તેમનું આકર્ષણ ઓછું થતું ગયું.દિલ્હીથી અલીગઢની તેમની સાપ્તાહિક યાત્રાઓ પહેલાં માસિક યાત્રાઓમાં બદલાઈ અને પછી ધીમે-ધીમે બંધ થઈ ગઈ.પરવીને પહેલાં ઇંગ્લૅન્ડ અને પછી ઈરાનમાં રહેવાનો નિર્ણય કરી લીધો.