આ વાત ‘લગાન’ ફિલ્મના લાખા એટલે કે યશપાલ શર્માના સંઘર્ષની છે. યશપાલ જણાવે છે કે જ્યારે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર એક પેજર હતું અને તેઓ એક બહુ જ નાનકડા રૂમમાં રહેતા હતા, જ્યાં રસોડું પણ નહોતું. એક દિવસ તેમના પેજર પર મેસેજ આવ્યો કે ‘પ્લીઝ કોલ આમિર ખાન પ્રોડક્શન’. જ્યારે તેમણે સામે ફોન કર્યો ત્યારે તેમને બીજા દિવસે મળવા બોલાવવામાં આવ્યા.
યશપાલ કહે છે કે આશુતોષ ગોવારીકરે તેમને સાડા ત્રણ કલાક સુધી રૂમ બંધ કરીને વાર્તા સંભળાવી. આશુતોષ જે રીતે ચાલી-ચાલીને વાર્તા કહેતા હતા, તેવી વાર્તા તેમણે જીવનમાં ક્યારેય સાંભળી નહોતી. વાર્તા સાંભળતી વખતે યશપાલ મનમાં વિચારતા હતા કે ‘લાખા’નું પાત્ર કોણ ભજવશે? અને અંતે આશુતોષે કહ્યું કે તમારે જ આ પાત્ર ભજવવાનું છે. જોકે, રોલ ફાઈનલ થતા પહેલા તેમનું ઓડિશન લેવામાં આવ્યું. ઓડિશન આપ્યા પછી તેઓ હજુ તો સ્ટેશન જવા માટે ઓટોમાં બેઠા જ હતા
ત્યાં મેસેજ આવ્યો કે ‘સિલેક્ટેડ’. તેમનું ઓડિશન તરત જ આમિર ખાન અને એ.આર. રહેમાનને મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી તરત જ હા આવી ગઈ હતી.પૈસાની વાત કરતા યશપાલ જણાવે છે કે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ 50 હજારથી નીચે કામ નહીં કરે. જ્યારે તેઓ રીના દત્ત પાસે ગયા ત્યારે રીનાએ કહ્યું કે બજેટ ઓછું છે અને દરેકને દોઢ-દોઢ લાખ રૂપિયા આપી રહ્યા છીએ. યશપાલે તરત જ કહ્યું, “ના મેડમ, બે લાખ તો હોવા જોઈએ.” અને તેમને બે લાખ રૂપિયા મળી ગયા.આમિર ખાન સાથેના અનુભવ વિશે તેઓ કહે છે કે આમિર ખૂબ જ ડાઉન ટુ અર્થ છે.
શૂટિંગ દરમિયાન બધા સાથે મળીને જમીન પર બેસીને ચા પીતા અને વાતો કરતા. બધા કલાકારો હંમેશા સાથે જ રહેતા, જેના કારણે કોઈની વચ્ચે ઝઘડા કે ચુગલી થતી નહીં. રાત્રે 12 વાગ્યા સુધી બધા સાથે મળીને પત્તા રમતા, જેનું નામ તેમણે ‘LPC’ એટલે કે ‘લગાન પ્લેઇંગ કાર્ડ ક્લબ’ રાખ્યું હતું. આશુતોષ ગોવારીકર ઈચ્છતા હતા કે ટીમમાં એકતા દેખાય, એટલે 24 કલાક બધા સાથે હસતા-રમતા રહેતા. યશપાલ કહે છે કે આમિર ખાનના મેનેજમેન્ટ અને તેમના કામ કરવાની રીતમાંથી તેમણે જીવનમાં ઘણું શીખ્યું છે, જેનો ઉપયોગ તેમણે પોતાની ફિલ્મ ‘દાદા લખમી’માં પણ કર્યો છે.