આજના યુગમાં દરેક વ્યક્તિને ઓછા સમયમાં, ઓછી મહેનત થી લખપતિ થઈ જવું હોય છે. આજનો દરેક વ્યક્તિ કમાણી માટે શોર્ટકટ શોધતો હોય છે અને તેમની આ જ માનસિકતા ને કારણે કેટલાક લોકોને છેતરપિંડી કરવાની તક મળતી હોય છે. એ તો તમે જાણતા જ હશો કે આજના સોશિયલ મીડિયા યુગમાં જેટલી સાચી માહિતી ફેલાય છે તેના કરતાં પણ વધુ ખોટી માહિતીનો ફેલાવો થતો હોય છે.
સોશિયલ મીડિયાના આ યુગમાં ઘણા એવા પેજ કે વેબસાઈટની શરૂઆત થઈ છે જે ઘરે બેઠા કામ કરવાની તક પૂરી પાડવાની ઓફર આપતી જોવા મળતી હોય છે. એટલું જ નહિ ઘણી કંપનીઓ દ્વારા ઘરે બેઠા એક જ દિવસમાં ૫હજારની કમાણી કરવાની વાતો પણ કરવામાં આવતી હોય છે. જેને કારણે જરૂરિયાત વાળાં વ્યક્તિ કે પૈસા માટે શોર્ટકટ શોધતા વ્યક્તિ તેમાં ફસાઈ જતા હોય છે અને બાદમાં તેમને ઘણીવાર મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે.
આ જ કારણ છે કે હાલમાં ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની એ લોકોને આવી વાતો કે ઓફરમાં ન ફસાવવા અંગે ચેતવણી આપી છે. હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ તેમના ચાહકોને આવી ખોટી માહિતીથી બચીને રહેવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ઘરે બેસીને કોઈ વ્યક્તિ ધનવાન નથી બની શકતું માટે આવી ઓફરમા ન ફસાઓ. સાથે જ તેમને પોતાના નામે ફેનપેજ ચલાવતા લોકોને પણ ચેતવણી આપી છે.
તેમને કહ્યું કે મારા નામે સેન્ડ પેજ ચલાવી ખોટી માહિતી ફેલાવનાર લોકો વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે. જલ્દી જ તેની કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ખજૂર ભાઈ ગરીબ લોકોને મદદ કરવા માટે, લોકોના ઘર બનાવી આપવા માટે જાણીતા છે.તેમને ગુજરાતના સોનું સુદ તરીકે ઓળખવામાં આવે છે.