અમદાવાદ: દરેક કલાકાર પોતાના વિચારો અને હાવભાવને તેમની કલામાં અવશ્ય રજુ કરતા હોય છે. ત્યારે મૂળ મુંબઈના એક યુવાન કલાકારે ઇન્ડિયન ગ્લાસ આર્ટ સોસાયટીના ઉપક્રમે સ્પેક્ટેક્યુલમ વન થીમ આધારિત પોતાનું ગ્લાસ આર્ટ રજૂ કર્યું છે. જેમાં તેમણે ગ્લાસ કાસ્ટિંગ દ્વારા અનેક આકર્ષિત ગ્લાસ આર્ટ તૈયાર કર્યા છે.
ગ્લાસ કાસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે?
સૌપ્રથમ ગ્લાસના નકામા ટુકડા ભેગા કરવામાં આવે છે. ત્યારબાદ તેના નાના નાના ટુકડા કરવામાં આવે છે. આ નાના ટુકડાને ભેગા કરી ગ્લાસ ઓગાળવાની ભઠ્ઠીમાં 1200 ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે છે. આ ગ્લાસના ટુકડાને પ્રવાહી સ્વરૂપમાં લાવી તેને જુદા જુદા આકારમાં ઢાળવામાં આવે છે. જેના પછી જુદી જુદી ડિઝાઇન મુજબ આકર્ષક મોડેલો તૈયાર કરવામાં આવે છે.
ગ્લાસ આર્ટમાં માનવ સંબંધિત એક્સપ્રેશન, વિચારો દર્શાવેલી જોવા મળે છે
ઈસ્માઈલ પ્લમ્બર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.ધોરણ 12 પછી પિતાની સાથે ગ્લાસ કાસ્ટિંગના બિઝનેસમાં જોડાઈ ગયો હતો.અત્યાર સુધીમાં મેં 300 થી વધુ ગ્લાસ મોડેલ બનાવ્યા છે. જેમાંથી કેટલાક તો ખાસ વિષયો આધારિત ગ્લાસ આર્ટ બનાવ્યા છે. જેમાં ખાસ માનવ સંબંધિત એક્સપ્રેશન, વિચારો તથા લાગણીઓ દર્શાવેલી જોવા મળે છે.
મારી કલાત્મક યાત્રા પ્રકૃતિની સુંદરતા અને જીવનના રસપ્રદ પળોમાંથી પ્રેરણા લઈને શરૂ થઈ હતી. આ ગ્લાસ આર્ટની દુનિયામાં મને મારી સાચી ઉત્કટ અને અભિવ્યક્તિ મળી છે. દરેક નાજુક સ્પર્શ સાથે હું કાચમાં જીવનનો શ્વાસ લઉં છું અને તેને આકર્ષક માસ્ટરપીસમાં આકાર આપું છું.
ગ્લાસ આર્ટ મારા માટે એવી ભાષા બની ગઈ છે, જેના દ્વારા હું મારી લાગણીઓ અને વિચારોને અભિવ્યક્ત કરું છું. દરેક કૃતિઓનું સર્જન મારા આત્માનો એક ટુકડો છે. જે તમને કાચની કળામાં રહેલી ગહન સુંદરતાનો અભ્યાસ કરાવે છે.તેઓ આ કામમાં 30 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ આર્ટમાં ફ્યુઝ્ડ, કાસ્ટ, લેમ્પ વર્ક અને હોટ ગ્લાસ સહિત વિવિધ ગ્લાસ આર્ટ તકનીકો પર કામ કરે છે.