કહેવાય છે ને કે માણસ ને ઘરમાં સારું વાતાવરણ ,પરિવારનો પ્રેમ ન મળે તો તે રસ્તે રઝળતી જિંદગી જીવવાની શરૂઆત કરી દેતો હોય છે.હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે અમદાવાદના ખોડાભાઈ પોપટ ભાઈ ઠાકુર ઉર્ફે મુન્નો પાછલા ઘણા વર્ષોથી અમદાવાદમાં પાગલની જેમ રસ્તા પર જીવન પસાર કરી રહ્યા હતા.હાલમાં પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા તેમની મદદ કરવામાં આવતા તેમની સંપૂર્ણ કહાની સામે આવી છે.
હાલમાં જ પોપટભાઈ એ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં મુન્નો પોતાની કહાની જણાવી રહ્યો છે. તેમનુ કહેવુ છે કે તે અમદાવાદના ઘોડાસરમાં રહે છે. તેમના પરિવારમાં કાકી, ભાઈ અને તેમની પત્ની છે. પોતાની પત્ની અંગે વાત કરતા તેમને જણાવ્યું કે તેઓ પત્નીના ત્રાસને કારણે જ આવી રીતે જીવી રહ્યા છે તેઓ પાગલ નથી. તેમને જણાવ્યું કે તેમની પત્ની તેમની પાસેથી ૧૦ લાખ રૂપિયા લઇને ભાગી ગઈ છે જેને કારણે તે આવું જીવન જીવે છે. તેમનુ કહેવુ છે કે તેમની પાસે ૧૦ વીઘા જમીન પણ છે. પરંતુ હવે તેમને કોઈ વસ્તુમાં રસ નથી.
પોતાની આપવીતી જણાવ્યા બાદ મુન્નાભાઈ પોપટભાઈ સાથે આવ્યા હતાં. જ્યાં પોપટભાઈ એ તેમને નવડાવ્યા અને કપડા આપ્યા હતા. એટલું જ નહિ મુન્નાભાઈની ઈચ્છા મુજબ પોપટભાઈ એ જાતે તેમના વાળ ન કાપતા સલૂનમાં વાળ કપાવ્યા હતા.
જોકે શરૂઆતમાં તેમને પોપટભાઈ અને તેની ટીમને ખૂબ જ દોડાવ્યા હતા.મુન્નાભાઈ કોઈ હિસાબે પોપટભાઈ સાથે આવવા તૈયાર ન હતા. પરંતુ બાદમાં તે મિત્રની જેમ પોઝ આપીને ફોટા પડાવતા હતા. આ કિસ્સા પરથી સમજી શકાય કે, પરિવારમાં શાંતિ અને પ્રેમ હોવો એ દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે.જો પ્રેમ અને શાંતિ ન મળે તો માણસનું જીવન અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે.
જણાવી દઈએ કે પોપટભાઈ ફાઉન્ડેશન એ ગરીબ અને પાગલ કે રસ્તે રઝળતા લોકોની મદદ કરતી ટીમ છે. આજ સુધી તેમને અનેક લોકોના ઘરમાં કરિયાણું તેમજ સિલાઈ મશીન આપી જીવનની નવી દિશા આપી છે.સાથે જ અનેક રઝળતા લોકોને ખાવા પીવા અને રહેવાની સુવિધા પૂરી પાડી છે.