ટેક્સાસમાં એક ભારતીય પરિવારમાં રમાયેલા લોહિયાળ ખેલમાં સગા પુત્રએ જ પોતાના માતા-પિતા અને દાદીની હત્યા કરી નાખી છે. આ ત્રણેયને ગોળી માર્યા બાદ ગૌરવ ચોપરા નામનો 19 વર્ષીય યુવક પોતાના મોટા ભાઈને પણ ગોળી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે તેનો મોટો ભાઈ કોઈ રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. 16 જૂનની રાત્રે લગભગ 9 વાગ્યે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થઈ હતી. હત્યારા ગૌરવ ચોપરાના ભાઈ સાજને જ 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી કે ગૌરવે ત્રણ લોકોને ગોળી મારીને કાર લઈને ઘરેથી ફરાર થઈ ગયો છે.
મૃતકોની ઓળખ ગૌરવના પિતા સીતારામ, માતા કમલેશ રાણી અને દાદી મહેન્દ્ર કૌર તરીકે થઈ છે. આ પરિવાર મૂળ પંજાબનો રહેવાસી હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે બે લોકોના મોત થઈ ચૂક્યા હતા, જ્યારે ત્રીજા વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ગૌરવ ચોપરા યુનિવર્સિટી ઓફ ટેક્સાસનો વિદ્યાર્થી છે. તેણે પોતાના જ પરિવારની હત્યા કેમ કરી તેનો કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે એવું પણ જણાવ્યું છે કે તપાસમાં સહકાર આપવાને બદલે ગૌરવ ગોળમટોળ જવાબ આપી રહ્યો છે.
ગૌરવના પિતા સીતારામ છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા અને પોતાનો વ્યવસાય ચલાવતા હતા. તેમના બંને પુત્રોનો જન્મ પણ અમેરિકામાં જ થયો હતો. આ પરિવાર હિડાલ્ગો કાઉન્ટીના પામ વ્યૂ વિસ્તારમાં રહેતો હતો. મંગળવારની રાત્રે બનેલી આ ઘટનાની માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે લગભગ 9 વાગ્યે ગૌરવનો ભાઈ ઘરની સીડી ચઢી રહ્યો હતો ત્યારે તેને જમીન પર પડેલા લોકોના પગ દેખાયા. એ જ સમયે ગૌરવ તેના હાથમાં ગન લઈને તેની પાસે આવ્યો અને તેના માથા પર ગન તાકી ગોળી મારવાનો પ્રયાસ કર્યો. ગૌરવે એક ફાયર પણ કર્યો હતો, પરંતુ ગોળી સાજનને વાગી નહોતી. સાજન ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો અને તેણે તરત જ 911 પર ફોન કર્યો.
પોલીસ ગૌરવના ઘરે પહોંચે તે પહેલાં જ તે પોતાની લેક્સસ કાર લઈને ભાગી ગયો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કાર ન રોકતા તેનો પીછો શરૂ કરવામાં આવ્યો. થોડા જ અંતરે ગૌરવે પોતાની કાર અન્ય એક વાહન સાથે અથડાવી દીધી હતી, જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગૌરવની કારમાંથી એક ગન પણ મળી આવી હતી અને પોલીસના જણાવ્યા મુજબ એ જ ગનથી તેણે પોતાના માતા-પિતા અને દાદીને ગોળી મારી હતી. બીજી તરફ, પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે તેની માતા અને દાદીનું મોત થઈ ચૂક્યું હતું, જ્યારે તેના 56 વર્ષીય પિતા જીવિત હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. ગૌરવે ત્રણેયના માથામાં ગોળી મારી હતી.
ગૌરવ સામે હાલ કેપિટલ મર્ડર સહિતના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં જજે તેને જામીન પર છોડવાનો ઇનકાર કર્યો હતો. કાઉન્ટી શેરીફ એડી ગેરાએ જણાવ્યું હતું કે ગૌરવનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. પૂછપરછ દરમિયાન તેણે પોતાને યુનિવર્સિટી ઓફ ટેક્સાસનો વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું, પરંતુ હત્યાનું કારણ પૂછતાં તેણે સીધો જવાબ આપ્યો નહોતો. ગૌરવના પિતા સીતારામ ભારતીય સમુદાયના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેતા હતા. ગૌરવને ઓળખતા લોકોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તેનું વર્તન સંપૂર્ણપણે સામાન્ય લાગતું હતું અને તેને જોઈને ક્યારેય એવું લાગતું નહોતું કે તે કોઈની હત્યા કરી શકે.
ગૌરવ કોઈ માનસિક બીમારીની સારવાર લઈ રહ્યો હતો કે નહીં અને કોલેજમાં તેનું વર્તન કેવું હતું તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. ટેક્સાસમાં બનેલી આ ઘટના નવેમ્બર 2023માં ન્યૂ જર્સીમાં બનેલી બીજી એક ઘટનાની યાદ અપાવે છે, જેમાં ઓમ બ્રહ્મભટ નામના 23 વર્ષીય ગુજરાતી યુવકે પોતાના નાનાજી, નાનીજી અને મામાની ગોળી મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ ઓમે પોતે જ પોલીસને ફોન કર્યો હતો. તે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહેતો હતો અને ઓનલાઈન મંગાવેલી ગનથી તેણે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. જોકે ઘટના બાદ પણ તેણે આવું કેમ કર્યું તેનો કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
એ જ રીતે જાન્યુઆરી 2026માં જ્યોર્જિયામાં બનેલી બીજી એક ઘટનામાં વિજય કુમાર નામના પંજાબી વ્યક્તિએ પોતાની પત્ની સહિત ચાર લોકોની ગોળી મારી હત્યા કરી હતી. વિજય હાલ જેલમાં છે અને તેણે પોતાના પર લાગેલા આરોપો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેનો દાવો છે કે તેણે આત્મરક્ષામાં આ ચારેય લોકોને ગોળી મારી હતી. તેનો કેસ એટલાન્ટાની જાણીતી ક્રિમિનલ વકીલ એશ મર્ચન્ટ લડી રહી છે.
અમેરિકામાં ભારતીય મૂળના લોકો દ્વારા પોતાના પરિવારજનોની હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ આવા ભયાનક ગુનાઓ પાછળનું સાચું કારણ ઘણીવાર ક્યારેય બહાર આવતું નથી. તમને શું લાગે છે? શાંત સ્વભાવ માટે જાણીતા લોકો ક્યારેક આટલા આક્રમક કેમ બની જાય છે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો.