ઈરાન દ્વારા ખાડી દેશો પર કરવામાં આવી રહેલા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ હવે સાઉદી અરેબિયાનો સંયમ તોડ્યો છે. સાઉદી વિદેશ મંત્રાલયે ઈરાનને અત્યાર સુધીનું સૌથી કડક અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ કર્યું છે કે જો આરબ દેશોના નાગરિક માળખા પર હુમલા બંધ નહીં થાય, તો ઈરાને તેની ભયાનક કિંમત ચૂકવવી પડશે.
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો સંઘર્ષ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. ઈરાન દ્વારા સતત ખાડી દેશોની નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં આવતા સાઉદી અરેબિયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. સાઉદી વિદેશ મંત્રાલયે આજે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તે આરબ અને ઇસ્લામિક દેશો પરના હુમલાઓ તાત્કાલિક નહીં રોકે, તો તેણે “સૌથી મોટું આર્થિક અને લશ્કરી નુકસાન” સહન કરવા તૈયાર રહેવું પડશે.
ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓમાં હવે માત્ર લશ્કરી ઠેકાણાઓ જ નહીં, પરંતુ એરપોર્ટ, તેલ સુવિધાઓ અને રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ બહેરીને આરોપ લગાવ્યો હતો કે ઈરાને તેમના પીવાના પાણી માટેના મહત્વના ‘ડિસેલિનેશન પ્લાન્ટ’ પર હુમલો કર્યો છે, જે માનવતા વિરુદ્ધનો ગુનો છે. બીજી તરફ, સાઉદી અરેબિયાના રહેણાંક વિસ્તારોમાં લશ્કરી ગોળા પડવાને કારણે અનેક નિર્દોષ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
સાઉદી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “એરપોર્ટ અને ઓઈલ રિફાઈનરી જેવા સ્થળો પર હુમલો કરવો એ પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાને જાણીજોઈને જોખમમાં નાખવાનો ઈરાનનો ઈરાદો સ્પષ્ટ કરે છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને યુએન ચાર્ટરનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.”
ઈરાને અગાઉ દાવો કર્યો હતો કે સાઉદી અરેબિયા પોતાના પ્રદેશમાંથી અમેરિકી ફાઈટર જેટ અને રિફ્યુઅલિંગ એરક્રાફ્ટને ઓપરેટ કરવાની મંજૂરી આપીને યુદ્ધમાં ભાગ લઈ રહ્યું છે. સાઉદી અરેબિયાએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને તેને ‘ખોટો પ્રચાર’ ગણાવ્યો છે.રિયાધે સ્પષ્ટતા કરી છે કે સાઉદી અને GCC (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ) દેશોની એરસ્પેસમાં જે વિમાનો ઉડી રહ્યા છે, તે માત્ર હવાઈ પેટ્રોલિંગ માટે છે. આ વિમાનોનો હેતુ ઈરાન તરફથી આવતી મિસાઈલો અને ડ્રોનથી આરબ દેશોના આકાશ અને જમીનને સુરક્ષિત રાખવાનો છે, નહીં કે ઈરાન પર હુમલો કરવાનો.