પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દીકરીઓને શિખામણ આપતા કહ્યું છે કે તમારે બુરખાવાળી નથી બનવાનું પણ દુર્ગા બનવાનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે
તમે મને માનો કે ન માનો, પરંતુ તમારા માતા-પિતાને ચોક્કસ માનજો. શાસ્ત્રીજીએ પોતાના અંગત વિચાર રજૂ કરતા કહ્યું કે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર વચ્ચે જે બાળક કે બાળકી પોતાની જાતને સંભાળી લે છે અને સુધરેલા રહે છે, તેઓ જીવનમાં ક્યારેય બગડી શકતા નથી, પરંતુ આ ઉંમરે જે બગડી જાય છે
તે ક્યારેય સુધરી શકતા નથી.તેમણે બાળકોને સંગત વિશે ચેતવણી આપતા કહ્યું કે ક્યારેય બીજાનો દોષ ન કાઢો કે મારી સહેલી કે મિત્ર ખરાબ હતા એટલે હું બગડ્યો. તેમણે રામચરિતમાનસના ઉદાહરણો આપતા સમજાવ્યું કે ભગવાન રામના રાજ્યમાં રહીને પણ મંથરા સુધરી શકી નહોતી અને રાવણના રાજ્યમાં રહીને પણ વિભીષણ બગડ્યા નહોતા.
જેમ ચંદનના ઝાડ પર સાપ વીંટળાયેલા રહેવા છતાં ચંદન ક્યારેય પોતાનું શીતળતા છોડતું નથી અને ઝેર લેતું નથી, તેમ ગમે તેવી ખરાબ સંગતમાં રહો પણ તમારા આચરણ અને મન પર કાબૂ રાખવો જરૂરી છે.સફળતા વિશે વાત કરતા તેમણે કહ્યું
કે માત્ર દોડતા ઘોડા કે ઉગતા સૂરજની તસવીરો લગાવવાથી સફળતા નથી મળતી, તેના માટે સૂરજ ઉગતા પહેલા જાગવું પડે છે અને ઘોડાની જેમ દોડવું પડે છે. અંતમાં તેમણે ફરીથી યુવાનોને અનુરોધ કર્યો કે આ ઉંમર સંભળાવવાની છે, જો અત્યારે આચરણ શુદ્ધ રાખશો તો ભવિષ્ય ઉજ્જવળ બનશે.