Cli

દીપક કશ્યપે પોતાને ‘મોહમ્મદ દીપક’ નામ કેમ આપ્યું?

Uncategorized

ઉત્તરાખંડના પૌડી જિલ્લાના કોટદ્વાર શહેરમાં એક મુસ્લિમ દુકાનદારના સમર્થનમાં બહાર આવેલા ‘મોહમ્મદ દીપક’ વિરુદ્ધ બજરંગદળના કાર્યકરોએ ગત શનિવારે 31 જાન્યુઆરીએ સાંજે અને એ પછી પણ વિરોધપ્રદર્શન કર્યું હતું.આ મામલા અંગે પોલીસ વહીવટીતંત્રનું કહેવું છે કે તેણે તાત્કાલિક પોલીસને ઘટનાસ્થળે મોકલીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને સ્વયં નોંધ લઈને, દેહરાદૂનથી આવેલા કેટલાક લોકો સામે એફઆઇઆર નોંધી છે.

જોકે, દીપકે વહીવટીતંત્ર પર ‘એકતરફી વલણ’ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.આ ઘટના અંગે બજરંગદળે પણ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે તેમણે દીપક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ જ્યારે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, ત્યારે તેમણે આ વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું, જેમાં દેહરાદૂન, ઋષિકેશ અને હરિદ્વારના બજરંગ દળના કાર્યકરો સામેલ થયા હતા.ત્યારે જાણીએ, દીપક કશ્યપ કોણ છે અને તેમણે તેમનું નામ ‘મોહમ્મદ દીપક’ કેમ આપ્યું છે? તેઓ કોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને સમગ્ર મામલો શું છે?

દીપક કશ્યપ 26 જાન્યુઆરીના રોજ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ કોટદ્વારના પટેલ રોડ પર એક વૃદ્ધ મુસ્લિમ દુકાનદારના સમર્થનમાં આગળ આવ્યા હતા.આ વૃદ્ધ મુસ્લિમ દુકાનદારની દુકાનના નામ ‘બાબા’ (બાબા સ્કૂલ ડ્રૅસ ઍન્ડ મૅચિંગ સેન્ટર) અંગે બજરંગદળના લોકો વાંધો ઉઠાવી રહ્યા હતા અને તેમને દુકાનનું નામ બદલવા માટે કહી રહ્યા હતા.26 જાન્યુઆરીએ બજરંગદળના લોકો આ દુકાને પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયા પર ‘મોહમ્મદ દીપક’ તરીકે ઓળખાતો આ યુવાન ખરેખર દીપકકુમાર કશ્યપ છે. તેઓ ઉત્તરાખંડના કોટદ્વારના રહેવાસી છે અને વ્યવસાયે જિમ ટ્રેનર છે.સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં તેઓ આ વૃદ્ધ મુસ્લિમ દુકાનદારના સમર્થનમાં બોલતા જોવા મળે છે અને તેમણે દુકાનનું નામ કેમ બદલવું જોઈએ તેવો સવાલ કરે છે. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાઓ જ્યારે તેમને તેમનું નામ પૂછે છે ત્યારે દીપક તેમનું નામ મોહમ્મદ દીપક જણાવે છે.તે દિવસની ઘટના અંગે દીપકે બીબીસીને જણાવ્યું હતું કે, “બજરંગદળના સાત-આઠ લોકો 75 વર્ષના મુસ્લિમ દુકાનદારની દુકાને પહોંચ્યા હતા અને દુકાનના નામમાંથી ‘બાબા’ શબ્દ દૂર કરવા દબાણ કરી રહ્યા હતા.”જોકે, પોલીસનું કહેવું છે કે એ દિવસે મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી આ વિસ્તારની મુલાકાતે હતા અને તેમની સુરક્ષા માટે પોલીસદળ તહેનાત હોવાથી માહિતી મળતાં જ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.

દીપકે બીબીસીને જણાવ્યું કે, “26 જાન્યુઆરીની ઘટનાથી આ મામલો સતત ચાલી રહ્યો હતો, પરંતુ 31 જાન્યુઆરીએ પરિસ્થિતિ અચાનક વધુ ખરાબ થઈ ગઈ.”દીપકના જણાવ્યા મુજબ, “દેહરાદૂનથી લગભગ 150 બજરંગદળના કાર્યકરો કોટદ્વાર પહોંચ્યા અને સીધા તેમના જિમ પાસે આવ્યા અને સૂત્રોચ્ચાર કરવા અને હંગામો કરવા લાગ્યા.”તેઓ કહે છે કે આ સમય દરમિયાન તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેમના પરિવાર સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

દીપકે વહીવટીતંત્ર પર એકતરફી વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું, “મને ત્યાંથી હઠાવી દેવામાં આવ્યો, પરંતુ તે લોકો ચાર-પાંચ કલાક સુધી હંગામો કરતા રહ્યા.”તેમના મતે, વિરોધીઓની સંખ્યા એટલી મોટી હતી કે સ્થાનિક લોકો તેમના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવી શક્યા નહીં.દીપકે દાવો કર્યો હતો કે ‘બજરંગદળના લોકો હથિયારો સાથે વાહનોમાં આવ્યા હતા.’તેમનું કહેવું છે કે તેમણે પોલીસને સંભવિત હંગામા વિશે પહેલાથી જ ચેતવણી આપી દીધી હતી, કારણ કે બજરંગદળના કેટલાક લોકોએ ઇન્સ્ટાગ્રામ પર આ સંદર્ભમાં એક સંદેશ પોસ્ટ કર્યો હતો, જેનો સ્ક્રીનશૉટ પણ તેમણે કોટદ્વાર પોલીસને મોકલ્યો હતો.જોકે, દીપકે કહ્યું, “પોલીસ પાસેથી મને જે પ્રકારની અપેક્ષાઓ હતી તેવું બિલકુલ બન્યું નહોતું.તેમનો આરોપ છે કે તેમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે પ્રદર્શનકારીઓને ઘટનાસ્થળેથી દૂર કરવા માટે કોઈ નક્કર પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. દીપક કહે છે કે જો તેમને કસ્ટડીમાં લેવાયા, તો સામે ઓછામાં ઓછું વિરોધ કરી રહેલા ટોળાને દૂર કરી દેવું જોઈતું હતું.દીપક આ ઘટનાને યાદ કરીને ભાવુક થઈ જાય છે.તેઓ કહે છે કે, “મેં કરેલા માનવતાના કાર્યના બદલામાં જે બન્યું તેનાથી હું અંદરથી તૂટી ગયો છું.”તેઓ કહે છે કે આ પછી પણ તેઓ અન્યાય સામે ઊભા રહેશે, “ભલે તેના માટે મારે મારો જીવ આપી દેવો પડે. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *