આજે જ્યા એક તરફ યુવાનો નોકરી માટે વલખાં મારતા જોવા મળી રહ્યા છે, નોકરી ન હોવાની ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે ત્યાં બીજી તરફ આપણા ભારત દેશમાં ઘણા એવા લોકો છે જે આજે પણ ખેતી અને પશુપાલન કરતા જોવા મળતા હોય છે. એટલું જ નહિ આજના યુવાનો દિવસભર મહેનત કરી વર્ષે જેટલી કમાણી કરે છે તેનાથી વધુ આ પશુપાલક એક મહિનામાં કમાણી કરતા હોય છે.
હવે તમે કહેશો કે જમીન અને જગ્યા મોટી હોય તો કમાણી તો થાય જ ને? તો આજના આ લેખમાં અમે એક એવા પશુપાલક વિશે જણાવીએ જેના પાસે જમીન નામ માત્રની હોવા છતાં તે મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ પશુપાલક છે વિહાભાઈ રાજપૂત. મૂળ ગુજરાતના બનાસકાંઠાના લાખણીના કુવાળા ગામના રહેવાસી પાસે કુલ ૭ વીઘા જમીન છે જેમાં તેઓ ઘાસચારો વાવે છે. આ સિવાય ઘરની થોડી એવી જગ્યામાં તેઓ પશુપાલન કરે છે. ખૂબ જ નાના પાયે પશુપાલન ની શરૂઆત કરનાર વિહાભાઈ પાસે આજે કુલ ૪૦ ગાય અને ૪ ભેંસ છે. મહત્વની વાત તો એ છે કે તેમની પાસે માત્ર ક્રોસબ્રીડ ગાય છે.
તેમનુ કહેવુ છે કે કાળી ગાય સારું દૂધ આપે છે. જો કે મોટાભાગે પશુપાલક ને ગાય બીમાર થવાની ફરિયાદ રહેતી હોય છે પરંતુ વિહા ભાઈની ગાયો આજદિન સુધી બીમાર પડી નથી. એટલું જ નહિ તેમની ગાયો શિંગડાવાળી હોવા છતાં પણ તેમને કોઈ તકલીફ આવી નથી. તેમની એક ગાય ૧૧ થી ૧૨ લીટર દૂધ આપે છે જેને કારણે તેમને દૈનિક ૩૪૦ લીટર દૂધનું ઉત્પાદન થાય છે.
વાત કરીએ ગાયોને આપવામાં આવતા ચારા અને ખોરાક વિશે તો તે ગાયને ખોરાકમાં મકાઈ આપે છે અને બીજો લીલો અને સુકો ચારો આપે છે.તેમનું કહેવું છે કે પશુને સવારે અને સાંજે ચારો આપવો પૂરતો છે. તેનાથી દૂધ વધુ મળે છે જો કે વિહાનું કહેવું છે કે આજના પશુપાલક મોટાભાગે મજૂર રાખી કામ કરાવતા હોવાથી નફો મળતો નથી. પશુપાલન માં ગાયો ને ચાર નાખવાથી લઈ બધા કામ જાતે કરવાથી ક્યા ચૂક છે અને કેટલો નફો છે તે સમજી શકાય છે.