આજના યુગમાં કોઈપણ વસ્તુઓ એક જ ક્લિકમાં વાયરલ થઈ જતી હોય છે. સોશિયલ મીડિયા પર રોજના હજારો ફોટા કે વીડિયો વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક વીડિયો કે ફોટા તમને રડાવી મૂકતા હોય છે, કેટલાક હસાવતા હોય છે તો કેટલાક ફોટા તમને આશ્ચર્યમાં મૂકી દે તેવા હોય છે.
હાલમાં પણ સોશિયલ મીડિયા પર આવો જ એક આશ્ચર્યમાં મૂકી દેતો ફોટો વાયરલ થયો છે. આ ફોટો એ બીજું કંઈ નહીં પરંતુ એક રેસ્ટોરન્ટનું બિલનો ફોટો છે.નવાઈની વાત એ છે કે આ બિલમાં કુલ ચાર્જ માત્ર ૨૬ રૂપિયા ૩૦ પૈસા છે.
વિચારમાં પડી ગયા ને? ક્યા આવી આટલી સસ્તી હોટેલ અમને પણ નામ આપો અમે આજે જાઈ આવીએ અને જલસા કરી લઈએ. બરાબર ને? જો તમે પણ આવા કોઈ વિચાર કરી રહ્યા હોય તો અમે તમને જણાવી દઇએ આ બિલ હોટેલ નું તો છે પરંતુ વર્ષ ૧૯૮૫ના સમયનું. હવે તમારામાંથી કોઈને થશે કે કોઈએ બિલ સંઘરી રાખ્યું હશે અને હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હશે. તો ના, આ બિલ કોઈ ગ્રાહકે નહીં પરંતુ હોટલના માલિકે પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.
વિગતે વાત કરીએ તો. હાલમાં જ્યાં દરેક વસ્તુઓના ભાવ આસમાન આંબી રહ્યા છે ત્યારે દિલ્હીની લાજપત નગરની લાજીઝ હોટેલે પોતાની હોટેલના ૩૭ વર્ષ જૂના બિલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ તેમાં લખાયેલા કુલ ચાર્જને કારણે લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. આ બિલના અંતે કુલ ચાર્જ માત્ર ૨૬ રૂપિયા ૩૦ પૈસા છે.
બિલમાં લખવામાં આવેલ વસ્તુઓ વિશે જાણીએ તો તેમાં શાહી પનીરની કિંમત રૂ.૮, દાળ મખાની રૂ.૫, રાયતા રૂ.૫અને રોટલીનો કિંમત ૭૦ પૈસા છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બિલની ખુબ જ ચર્ચા ચાલી રહી છે ,લોકો અત્યારના ભાવ અને તે સમયના ભાવની સરખામણી કરતા જોવા મળી રહ્યા છે પરંતુ આ બિલ પરથી સાબિત થઈ ગયું કે આપણા દાદા દાદી જે તેમના જમાનાની વાતો કરતા હોય છે તે તદ્દન સાચી હોય છે અને તે સમયે દરેક વસ્તુની કિંમત ખરેખર ઓછી હતી.