એ તો તમે પણ માનતા જ હશો કે તમારા દાદી દાદાના જમાના કરતા આપણા આજના જમાનામાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. નાની નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેક, ડાયાબિટીસ કે અન્ય ગંભીર બીમારીઓના શિકાર બનતા થયા છે. એટલું જ નહિ પગના દુખાવા, ઘસારો, પગ કે કમરની અન્ય સમસ્યાઓ જે તમારા દાદા દાદીમા આ ઉંમરે જોવા મળતી હશે એ તમામ સમસ્યાઓ તમને યુવાનીમાં જ અનુભવાય રહી હશે સાચું ને? સાથે જ આપણી રોગપ્રતિકાર શક્તિ પણ ઓછી થઈ ગઈ છે આ તો થઈ સમસ્યાઓની વાત પરંતુ આ સમસ્યાઓ પાછળ કારણ શું છે? તમે કહેશો કે બીજું શું હોય બહારનું ખાવાનું , જંક ફૂડ. હા ચોક્કસ જંક ફૂડ એ આ તમામ સમસ્યાઓ પાછળ એક મહત્વનું કારણ છે પરંતુ શું તમે આ સમસ્યાઓ પાછળનું બીજું કોઈ કારણ જણાવી શકો છો? વિચારો… ન સમજાયું તો ચાલો વાંચો આ લેખ.
પગમાં દુખાવો, નાની ઉંમરમાં હૃદયરોગ કે વાતાવરણ બદલતા તરત તાવ, શરદી લાગી જવા આવી અને બીજી અનેક સમસ્યાઓ નું જંક ફૂડ સિવાય નું બીજું કારણ છે અયોગ્ય ખોરાક પદ્ધતિ. આજનો યુવાન વર્ગ એક વસ્તુ ભાવી જતા તેની પાછળ જ પડી જતો હોય છે. જેમ કે કોઈને ભાખરી ભાવે , કોઈને રોટલી,કોઈને ઘઉંની અન્ય કોઈ વસ્તુ તો તેવા સમયે વ્યક્તિ માત્ર ઘઉંની આ અમુક વસ્તુઓ જ ખોરાકમાં લેશે. મતલબ કે, તેને જો બાજરીના રોટલા આપીશું તો કદાચ તેનું મોં બગડી જશે. બસ આ જ મહત્વનું કારણ છે. આપણા પૂર્વજો ખોરાકમાં ઘઉં લેતા હતા પરંતુ સાથે સાથે મકાઈ, જુવાર કે બાજરી પણ લેતા હતા. પરંતુ આજના યુગમાં ભાગ્યે જ લોકો આ ધાન્યનો ઉપયોગ કરતા જોવા મળે છે. જેને કારણે તેમના શરીરના દરેક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં પહોંચતા નથી.
શું તમે જાણો છો કે ઘઉમાં કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ વધુ હોય છે જેના કારણે ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે.બીજી બાજુ વાત કરીએ બાજરી તો તે પ્રોટીન, અને અન્ય પોષક તત્વોથી ભરપુર હોય છે.તેમાં એમિનો એસિડ પણ હોય છે. એક માહિતી અનુસાર મધ્યપ્રદેશની એક યુવતીને જ્યારે જાણ થઈ કે તેના પૂર્વજો જાડા ધાન્ય ખાઈને સ્વસ્થ રહેતા હતા તો તેને પણ આ જાડા ધાન્યના બીજ એકઠા કરવાની શરૂઆત કરી અને અંતે તેની આસપાસના ખેડૂતોને તે વિના મૂલ્યે ઉગાડવા આપ્યા.
તમને થશે કે જો આ ધાન્યો આટલા મહત્વના છે તો સરકાર કેમ કઈ કરતી નથી? જો તમને પણ આ સવાલ થયો હોય તો જણાવી દઉં કે હાલમાં જ નાણામંત્રી સીતારામન એ બજેટ બહાર પાડવા સમયે આ ધાન્યોને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.સાથે જ તેમને આ ધન્યોને શ્રી અન્ન નામ પણ આપ્યું હતું આ ઉપરાંત સરકારના કહેવા પર યુનાઇટેડ સ્ટેટ દ્વારા વર્ષ 2023 ને મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું.