હાલમાં સાળંગપુર મંદિર વિવાદ કેટલો ઉગ્ર બની રહ્યો છે એ તો તમે જાણતા જ હશો.મંદિરમાં મૂર્તિ નીચે કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે જેમના એકમાં હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા જોવા મળી રહ્યા છે તો અન્ય એકમાં હનુમાનજી સહજાનંદ સ્વામીના આસન સામે બેસી તેમને પ્રણામ કરતા બતાવવામાં આવ્યા છે.
હાલમાં સોશિયલ મીડિયા તેમજ ન્યુઝ મીડિયા પર અનેક લોકો આ અંગે રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે.પાછલા કેટલાક દિવસથી લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાસે માફીની માંગ કરી રહ્યા હતા.
હાલમાં આ અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાની ભૂલ બદલ માફી માંગી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ ના સંત શ્રી ઇન્દ્રભારતી બાપુના જણાવ્યા અનુસાર હાલમાં જ સનાતન ધર્મના સંતો તેમ જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે હાલમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાની ભૂલ બદલ માફી માંગી ભીંતચિત્રો દૂર કરવા માટે બે દિવસનો સમય માંગ્યો છે.
સાથે જ સનાતન ધર્મ અંગે વિવાદિત નિવેદન આપનાર તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પોતાના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે આ દરેક સનાતન ધર્મમાં માનનારા લોકો માટે ખુશીનો દિવસ છે. સનાતન ધર્મ અને સત્યની જીત થઈ છે.વધુમાં તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ફરીવાર સનાતન ધર્મ અંગે કોઈપણ વિવાદિત નિવેદન ન આપવા પણ અપીલ કરી છે.