મહિલા જ મહિલાની દુશ્મન હોય છે, તેને નીચે પાડવા પ્રયત્ન કરતી હોય છે, તેને આગળ વધતા રોકતી હોય છે આવી પરિસ્થતિ તો તમે અનેકવાર જોઈ હશે પરંતુ શું તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ મહિલા બીજી મહિલાઓને ઉપર લાવવા, તેમના જીવનમાં ઉન્નતિ લાવવા મહેનત કરતી હોય? થોડી અશક્ય લાગે તેવી વાત છે ને? પરંતુ ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતી આદિવાસી ની મહિલા એ આ અશક્ય લાગતી વાતને શક્ય કરી બતાવી છે.
નાનકડા ગામની આ મહિલાએ પોતાની જાતિની મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કર્યું અને તેમને આત્મનિર્ભર બનાવવા મહિલા વિકાસ ફાઉન્ડેશન ની સ્થાપના કરી આ મહિલાનું નામ છે હીરબાઇ લોબી. ગીર સોમનાથ જિલ્લાના જાંબુર ગામમાં રહેતા હીરબાઇ લોબી સિદી જાતિના છે આ જાતિ એક ગરીબી રેખા નીચે આવતી જાતિ કહેવાતી હોય છે જેની મહિલાઓ પાસે કે તેમના બાળકો પાસે પૂરતું શિક્ષણ નથી હોતું.
જંગલમાં જવું, લાકડા કાપવા અને લાકડા વેચી પરિવારનું ગુજરાન ચલાવવું એ જ આ જાતિની મહિલાઓનું કામ હતું. પરંતુ હીરબાઇને પોતાની જાતિની મહિલાઓ માત્ર લાકડા કાપતી રહી જાય તે મંજૂર ન હતું હીરબાઇએ નાનપણ થી જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી અને દાદીમા સાથે જ જીવન વિતાવ્યું હતું તે માત્ર ૨ જ ધોરણ ભણ્યા હતા.પરંતુ તેમનું સપનું હતું કે તેમની જાતિના દરેક બાળક છોકરો હોય કે છોકરી દરેક ભણીગણી ને આગળ વધે. તેમની જાતિની મહિલાઓ આગળ વધે આ તેમનું સપનું હતું.
આ સપનું પૂરું કરવા એમણે ફળો , શાકભાજી વહેચવાનું શરૂ કર્યું, ગામની મહિલાઓને સાથે લઈ મેળામાં વસ્તુઓ અને કપડા વહેચવાનું શરૂ કર્યું, એટલું જ નહિ ગામના લોકોની ના હોવા છતાં તેમને પોતાના ખેતરમાં ખાતર બનાવવાનું અને મહિલાઓ સાથે મળી તેને વહેચવાનું શરૂ કર્યું એક ઇન્ટરવ્યૂ દરમિયાન હીરબાઇએ ખાતરના કિસ્સા અંગે વાત કરતા જણાવ્યું કે તેમની મહિલાઓને મજૂરીના માત્ર ૫૦ રૂપિયા મળતા હતા પરંતુ ખાતર વહેંચવાથી દરેકને ૫૦૦૦ રૂપિયા મળ્યા હતા જેનાથી તેમને ખુશી થઈ હતી.
પોતાના આ સપનાને પૂરું કરવા તેમને વર્ષ ૨૦૦૪માં મહિલા વિકાસ ફાઉન્ડેશન સ્થાપના કરી હતી. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી હાલમાં જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ રહી છે.
આ ઉપરાંત તેમને બાળકોને પાયાનું શિક્ષણ મળે તે માટે પણ કાર્ય કર્યુંજણાવી દઇએ કે તેમને વર્ષ ૨૦૨૩માં પ્રજાસત્તાક દિવસે તેમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. હીરબાઈનું કહેવું છે કે તેઓ પોતાના સમાજમાં પહેલી મહિલા છે જેને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે.
જોકે આ તેમનો પહેલો એવોર્ડ નથી. આ સિવાય પણ પોતાના સત્કાર્ય માટે તેમને અનેક એવોર્ડ મેળવ્યા છે. જો કે હીરબાઇ નું માનવું છે કે આ સફળતા તેમની એકલાની નથી આમાં દરેક ન્યુઝ કે યુટ્યુબ વીડિયો બનાવનાર વ્યક્તિનો હાથ છે જેમને તેમના કાર્યોને સરકાર સુધી પહોંચાડયા છે.