ચોમાસામાં સામાન્ય રીતે બહારનું ખાવાની આદત ઓછી કરવી જોઈએ એવું ડોકટર કહેતા હોય છે પણ આપણે તો રહ્યા ગુજરાતી ચોમાસુ આવે એટલે સૌથી પહેલા ભજીયા યાદ આવી જ જાય. તમે પણ ચોમાસામાં અલગ અલગ ભજીયા ખાતા જ હશો.
ક્યારેક મેથીના,ક્યારેક કાંદાના તો ક્યારેક મરચાના,ક્યારેક પાલકના ભજીયા તમે ખાધા જ હશે પરંતુ જો હું તમને એમ કહું કે કારેલાના ભજીયા ખાવા છે તો?તમે કહેશો શું યાર કરેલું આમ પણ નથી ભાવતું ને એના ભજીયા.કોણ બનાવતું હશે. ન બને.
જો તમે આવું મનોમન બોલી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે કારેલાના પણ ભજીયા બનાવી શકાય છે અને ગુજરાતના જ એક ગામમાં આ ભજીયા એ હદ સુધી ફેમસ છે કે તેને ખાવા માટે ૧ વર્ષ સુધી રાહ જોવી પડતી હોય છે.
લાગી ને નવાઇ.ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરવા ગામે એક કાકા વર્ષોથી કારેલાના ભજીયા બનાવે છે.અહીંની ખાસ વાત એ છે કે કારેલાના આ ભજીયા માત્ર વર્ષમાં ૫૦ દિવસ સુધી જ બનાવવામાં આવે છે.
અષાઢ મહિનાથી આ ભજીયા નું કામ શરૂ કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાની શરૂઆત સુધી તમે ભજીયા મેળવી શકો છો.તે પછી કારેલાના ભજીયા ખાવા ૧ વર્ષ રાહ જોવી પડતી હોય છે. બીજી મહત્વની વાત એ કે આ ભજીયા ખરીદવા તમારે સવારે ૬ વાગ્યાથી બુકિંગ કરાવવું પડે છે.
બપોર સુધીમાં તમામ બુકિંગ થયા બાદ કોઈપણ વધારાનો ઓર્ડર લેવામાં આવતો નથી. કાકાનું કહેવું છે કે તે માત્ર સીઝનમાં આવતા કારેલાથી જ ભજીયા બનાવે છે જેથી સ્વાદ જળવાય રહે. વાત કરીએ ભજીયા બનાવવાની રીત વિશે તો સવારે કારેલા લાવી તેને છીણીને બાફી લેવામાં આવે છે.
જે બાદ તેમાં મસાલો કરી ચણાના લોટમાં નાખી થોડા તળી લઈ બહાર નીકળવામાં આવે છે જે બાદ ફરી ચણાના લોટમાં નાખી તળવામાં આવે છે.આ ભજીયા ૩૪૦ રૂપિયાના કિલો મળે છે. જો તમને કારેલા ભાવતા હોય તો એકવાર આ જગ્યાની મુલાકાત જરૂર લેજો.