અમદાવાદ: શહેરમાં વારંવાર જાણીતી રેસ્ટોરન્ટ અને ફૂડ ચેઇનના આહારમાંથી જીવજંતુઓ નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આજે ફરીથી જાણીતી રેસ્ટોરન્ટ ઘી ગુડનું વેજ મંચુરિયન અને નેશનલ હેન્ડલુમ કોર્પોરેશનના વેચાતા ભૂંગળા ખાવાલાયક નથી તેવું ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યું છે. એએમસી ફુડ વિભાગ દ્વારા ખાદ્ય પ્રદાર્થના વિવિધ જગ્યાએથી નમુના લેવાયા હતા. જેમાં અંદાજીત બિન આરોગ્ય પ્રદ 1400 કિગ્રો ખાદ્ય પદાર્થ નાશ કરવામાં આવ્યો છે.
ઘી-ગુડના વેજ મંચુરિયનનાં નમૂના ફેઇલ
મ્યુનિ. ફૂડ વિભાગની તપાસમાં સામે આવ્યુ છે કે, અમરાઇવાડી વિસ્તારમાં મ્યુનિ.ઓફિસ પાસે પુરૂષોત્તમ પ્લાઝામાં ચાલતાં નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશનમાંથી ફૂડ વિભાગની ટીમે ભુંગળાનાં નમૂના લીધા હતા. જેની તપાસ દરમિયાન સબસ્ટાન્ડર્ડ પુરવાર થયા છે. આ સાથે જાણીતી ઘી-ગુડની મણીનગર ક્રૃષ્ણબાગ ચાર રસ્તા પાસે આવેલાં તક્ષશીલા સ્ક્વેરમાં આવેલી બ્રાંચમાંથી વેજ મંચુરિયનનાં નમૂના લઇ મ્યુનિ.પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેની પણ તપાસ દરમિયાન વેજ મંચુરિયન સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.
ગ્રેવીનાં નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ
આ સાથે અસારવા સિવિલ હોસ્પિટલ સામે મ્યુનિ.ની દુકાનમાં ચાલતાં મહિમા બારા હાન્ડી એન્ડ ફ્રાય સેન્ટરમાંથી લેવાયેલાં ગ્રેવીનાં નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયાં છે. આ ત્રણેય દુકાનો સામે ફૂડ સેફટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
સીંગદાણામાંથી જીવાત નીકળી હતી
આ પહેલા પણ નારણપુરાના ઘી ગુડ રેસ્ટોરન્ટના સીંગદાણામાંથી જીવાત નીકળી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. થોડા સમય પહેલા આ બ્રાંચના સીંગદાણામાંથી જીવાત નીકળતા ગ્રાહકોએ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ સમગ્ર ઘટનાના વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. ગુજરાતમાં તાજેતરમાં જ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પિઝામાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી ચૂકી છે. આ પહેલા અમદાવાદની એક દુકાનના ડ્રાયફ્રૂટમાંથી પણ જીવાત નીકળી હતી. તો જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી હતી.