દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટ દ્વારા થયેલા ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં, મૂળ ગુજરાતના ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદમ્ય સાહસ અને સૂઝબૂઝ દાખવી 170થી વધુ મુસાફરોના જીવ બચાવી એક મોટી વિમાન હોનારત ટાળી દીધી છે.
અતિશય લોહીલુહાણ હાલતમાં પણ તેમણે ઈમરજન્સી કોડ મોકલીને કોકપિટનો દરવાજો ખોલ્યો, જેથી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે અંદર પહોંચી હુમલાખોરને કાબૂમાં લીધો અને સાઉદી અરેબિયામાં વિમાનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ શક્ય બન્યું. પોતાની જાનની પરવા કર્યા વગર બતાવેલી આ બહાદુરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈઝરાયેલી પીએમ નેતન્યાહૂ અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરે તેમની સરાહના કરી છે,
જ્યારે ગુજરાત સરકારે આ વીર સપૂતને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના અને સાવરકુંડલાના જમાઈ એવા કેપ્ટન સ્મિત મચ્છરે આખા દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હાલ તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મહાપૂજા અને આયુષ્ય મંત્ર જાપ પણ કરવામાં આવી રહ્યા છે.પોતાના જીવની પરવા કર્યા વગર 174થી વધુ મુસાફરોના જીવ બચાવનાર આ ભારતીય સપૂતની જાંબાઝીને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે!