ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 દેશોની ગ્રુપ ફોટોમાં જે રીતે ઉભા જોવા મળ્યા, તે બાબતે ઘણા લોકોનું ધ્યાન જ ગયું નથી. પરંતુ અહીં એક એવી ઐતિહાસિક ઘટના બની છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય રાજકીય નિષ્ણાતો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. આ વખતે G7 સમિટમાં ભારતને જે સ્થાન અને મહત્વ મળ્યું છે, તે અગાઉ ક્યારેય જોવા મળ્યું નહોતું.
આ વખતે G7 સમિટમાં સમગ્ર સમીકરણ બદલાઈ ગયું. અગાઉની સમિટોમાં આમંત્રિત મહેમાન દેશોના નેતાઓને મર્યાદિત ભાગીદારી આપવામાં આવતી હતી, પરંતુ આ વખતે ભારતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. ગ્રુપ ફોટોમાં પણ પ્રધાનમંત્રી મોદી કોઈ ખૂણે નહીં પરંતુ કેન્દ્રસ્થાને જોવા મળ્યા. એક બાજુ અમેરિકા અને બીજી બાજુ ભારત હોવું, ભારતના વધતા વૈશ્વિક પ્રભાવનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે.
ભારત ઉપરાંત બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, યુક્રેન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોને પણ આમંત્રણ અપાયું હતું. જોકે, આ દેશોની હાજરી મોટાભાગે અનૌપચારિક બેઠકો સુધી જ મર્યાદિત રહી. જ્યારે ભારતને સુરક્ષા, નાણાકીય નીતિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકોમાં સામેલ કરવામાં આવ્યું. એટલું જ નહીં, ભારતને અમેરિકાની બાજુમાં બેઠક પણ આપવામાં આવી.
સૌથી મહત્વની વાત એ છે કે ભારતને પ્રથમ વખત G7 દેશોની કોર ગ્રુપ બેઠકમાં પણ સામેલ કરવામાં આવ્યું, જ્યાં સામાન્ય રીતે માત્ર સભ્ય દેશો જ હાજર રહેતા હોય છે. G7માં નિર્ણયો સર્વસંમતિથી લેવાતા હોવાથી કોઈપણ એક દેશ વિરોધ કરે તો આમંત્રિત દેશને આવી બેઠકમાં સ્થાન મળવું મુશ્કેલ બની શકે. છતાં તમામ સભ્ય દેશોએ ભારતની હાજરીને સ્વીકારી, જે ભારત પ્રત્યે વધતા વિશ્વાસ અને સન્માનને દર્શાવે છે.
આ સમગ્ર ઘટનાને ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો વૈશ્વિક રાજકારણમાં બદલાતા સમીકરણો તરીકે જોઈ રહ્યા છે. એક તરફ ભારત BRICS જેવા સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ચીન અને રશિયા જેવા દેશો સામેલ છે, તો બીજી તરફ પશ્ચિમ દેશોના નેતૃત્વ હેઠળના G7 મંચ પર પણ ભારતને વિશેષ સ્થાન મળી રહ્યું છે. વૈશ્વિક સ્તરે બંને પક્ષો સાથે સંતુલન જાળવવાની ભારતની આ નીતિને ઘણા નિષ્ણાતો અનોખી અને ઐતિહાસિક ગણાવી રહ્યા છે.