રાજકુમાર હિન્દી સિનેમાના એવા દિગ્ગજ કલાકારોમાં ગણાય છે જેમનો દમદાર અવાજ, શાનદાર ડાયલોગ ડિલિવરી અને અનોખો અંદાજ આજે પણ લોકોમાં મશહૂર છે. તેમની વાતચીત કરવાની શૈલી એટલી લોકપ્રિય થઈ કે તે તેમની ઓળખ બની ગઈ. અમિતાભ બચ્ચનને પહેલીવાર ૧ કરોડ રૂપિયા આપનારા ફિલ્મ મેકર કે. સી. બોકાડિયાએ રાજકુમાર સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
જેમાં તેમણે જણાવ્યું કે રાજકુમાર લગભગ દરેક વ્યક્તિને ‘જાની’ કહીને બોલાવતા હતા અને તેની પાછળ પણ એક ખાસ કારણ હતું.તાજેતરમાં ઈન્ડિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કે. સી. બોકાડિયાએ જણાવ્યું કે રાજકુમારના પાલતુ કૂતરાનું નામ ‘જાની’ હતું. આ જ કારણ હતું કે અભિનેતાએ લગભગ દરેક વ્યક્તિને આ જ નામથી બોલાવવાનું શરૂ કરી દીધું હતું.
જોકે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, નસીબજોગે રાજકુમાર તેમને ક્યારેય ‘જાની’ નહોતા કહેતા અને હંમેશા ‘બોકાડિયા સાહેબ’ કહીને સંબોધતા હતા. તેમણે વાતચીતમાં એ પણ જણાવ્યું કે રાજકુમારનો સ્વભાવ બાકીના કલાકારો કરતાં ઘણો અલગ હતો. તેમના મતે, તેઓ ફિલ્મની વાર્તા કરતાં સામેવાળી વ્યક્તિને વધુ મહત્વ આપતા હતા. જો તેમને કોઈ વ્યક્તિનો સ્વભાવ ગમી જાય, તો જ તેઓ તેની સાથે કામ કરવા તૈયાર થતા હતા.ફિલ્મ મેકરે ફિલ્મ ‘પોલીસ ઔર મુજરીમ’નો કિસ્સો યાદ કરતાં જણાવ્યું કે તેમણે ફિલ્મના મુહૂર્તના માત્ર એક દિવસ પહેલા રાજકુમારને ફોન કર્યો હતો. તે સમય સુધી રાજકુમાર ફિલ્મ માટે ફાઈનલ થયા નહોતા. બોકાડિયાના જણાવ્યા અનુસાર, જો રાજકુમાર કોઈ માણસને ઓળખતા ન હોય
અથવા તેનાથી પ્રભાવિત ન થાય, તો તેઓ ફિલ્મ કરવાની ચોખ્ખી ના પાડી દેતા હતા.કે. સી. બોકાડિયાએ આગળ કહ્યું કે, રાજ સાહેબને સંભાળવા અમિતાભ બચ્ચન કરતાં પણ વધુ મુશ્કેલ હતા. બચ્ચન સાહેબ ખૂબ જ કેલ્ક્યુલેટિવ (ગણતરીબાજ) માણસ છે, પરંતુ રાજકુમાર ભારે મૂડી હતા. બોકાડિયાએ સમજાવ્યું કે કોઈ કેલ્ક્યુલેટિવ માણસને મનાવવો સરળ હોય છે કારણ કે તે દરેક વસ્તુને તર્કથી સમજે છે, પ
રંતુ રાજકુમારનો નિર્ણય સંપૂર્ણપણે તેમના મૂડ પર નિર્ભર કરતો હતો. ડાયરેક્ટરે રમુજી અંદાજમાં કહ્યું કે રાજકુમારનો સ્વભાવ એવો હતો કે જેમ ગાય જો મૂડમાં હોય તો દૂધ આપી દે અને જો મૂડમાં ના હોય તો બિલકુલ ન આપે. તેમણે જણાવ્યું કે ફોન પર એક સીન સાંભળ્યા પછી રાજકુમારને વાર્તા ગમી ગઈ અને તે જ સમયે તેમણે ફિલ્મ કરવા માટે હા પાડી દીધી.રાજકુમારે પોતાની લાંબી કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મો આપી. પાકીઝા, વક્ત, સૌદાગર, તિરંગા અને હીર રાંઝા જેવી ફિલ્મોમાં તેમનો અભિનય આજે પણ યાદ કરવામાં આવે છે. તેમનો અનોખો અંદાજ અને ડાયલોગ બોલવાની રીત તેમને હિન્દી સિનેમાના સૌથી ખાસ અભિનેતાઓમાંથી એક બનાવે છે. તમને રાજકુમારની કઈ ફિલ્મ સૌથી વધુ ગમે છે? કોમેન્ટ સેક્શનમાં જણાવો.