આમિર ખાન અને રિના જ્યારે અલગ થયા તે સાંજની આ વાત છે. તે દિવસે ડ્રાઈવર અને કૂક પણ રિના સાથે ગયા હતા. આમિર કહે છે કે, “16 વર્ષ અમે સાથે હતા અને જે દિવસે અમે અલગ થયા તે દિવસે ઘર એકદમ ખાલી હતું. બાળકો માટે બાજુની જ બિલ્ડિંગમાં ફ્લેટ લીધો હતો
એટલે તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયા. તે રાત મારા માટે બહુ મુશ્કેલ હતી કારણ કે હું ઘરમાં સાવ એકલો હતો. મેં મારા ભરોસાના ડ્રાઈવરને પણ રિના અને બાળકો સાથે મોકલી દીધો હતો જેથી તેમને તકલીફ ન પડે.”આમિર આગળ જણાવે છે કે તે એટલા ભાંગી પડ્યા હતા કે તેમને કંઈ સમજાયું નહોતું.
આમિર કહે છે, “હું ટી-ટોટલર હતો, મેં ક્યારેય દારૂ નહોતો પીધો. ‘રાજા હિન્દુસ્તાની’ અને ‘એક અકેલે હમ એક અકેલે તુંમ’માં નશાનો સીન કરવા માટે જ મેં દારૂ ચાખ્યો હતો. પણ તે રાતે એકલતા એટલી વધી ગઈ કે મેં બોટલ ખોલી અને આખી પી ગયો. ત્યાર પછી દોઢ વર્ષ સુધી હું રોજ રાતે દારૂ પીતો અને ભાન ન રહે ત્યાં સુધી પીધા રાખતો. મેં બે-ત્રણ વર્ષ કામ ન કર્યું. એ સમયે ‘લગાન’ અને ‘દિલ ચાહતા હૈ’ જેવી ફિલ્મો સુપરહિટ થઈ હતી અને મને ‘મેન ઓફ ધ યર’ જાહેર કરાયો હતો, પણ મને તે બહુ વિચિત્ર લાગતું કારણ કે અંદરથી મારી લાઈફ તહસ-નહસ થઈ ગઈ હતી.”
તે દોઢ વર્ષ દરમિયાન આમિર દેવદાસ જેવી હાલતમાં હતા. તેઓ ન તો કામ કરતા કે ન તો કોઈને મળતા. સાત વર્ષથી વાત ન થઈ હોવા છતાં જૂહી ચાવલા તેમને મળવા આવી હતી. જૂહીએ તેમને કહ્યું હતું કે, “તમારે રિના સાથે પેચઅપ કરી લેવું જોઈએ, મને તમે બંને સાથે જ સારા લાગો છો.” અનિલ કપૂર પણ તેમને મળવા આવ્યા હતા. આમિર કહે છે કે તેઓ ફક્ત સોમવાર, બુધવાર અને શુક્રવારે બાળકોને મળવા માટે જ જીવતા હતા. જ્યારે બાળકો સાથે હોય ત્યારે તેઓ દારૂ નહોતા પીતા.આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવા માટે તેમની માતાનો ફોન કામ કરી ગયો.
અમ્મીએ તેમને ફોન કરીને બોમ્બ ટાઈમ્સ જોવાનું કહ્યું. પેપરમાં આમિર અને રાની મુખર્જીનો ફોટો હતો, પણ આમિર એટલા જાડા થઈ ગયા હતા કે ઓળખાતા નહોતા. અમ્મીએ મજાકમાં કોઈ એક જાડા કલાકારનું નામ લઈને કહ્યું કે, “આ જો, રાની સાથે પેલા ભાઈનો ફોટો આવ્યો છે.” ત્યારે આમિરને અહેસાસ થયો કે અમ્મી તેને ટોકિ રહી છે કારણ કે માતાને હંમેશા એવું જ લાગે કે બાળક દુબળું થઈ ગયું છે, પણ જ્યારે મા કહે કે તારું વજન વધી ગયું છે ત્યારે સમજવું કે તમે બોર્ડર ક્રોસ કરી લીધી છે. માતાની એ વાત પછી આમિરે ફરી પોતાની જાતને સંભાળી અને કામ શરૂ કર્યું.