Cli

ચિરાગ ગોટી વિદ્યાર્થી નેતામાંથી કુખ્યાત અને ગંભીર ગુનાનો આરોપી કેવી રીતે બન્યો?

Uncategorized

ગુજરાતમાં ઘણા કેસમાં આરોપી પકડાય ત્યારે પોલીસ દ્વારા તેનું રિકન્સ્ટ્રક્શનના નામે ‘જાહેર સરઘસ’ કાઢવાની પ્રથા છે જેને ‘વરઘોડો’ પણ કહેવામાં આવે છે.આ અઠવાડિયે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં નાના બિલ્ડરો, હીરાના વેપારીને કથિત રીતે વ્યાજે રૂપિયા આપીને પછી કથિત દાદાગીરીથી રૂપિયા વસૂલવાના આરોપસર ચિરાગ ગોટી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.સુરતના સિંગણપોર વિસ્તારમાં ચિરાગનો ‘વરઘોડો’ કાઢવામાંં આવ્યો, ત્યારે લોકો તેને ઘેરી વળ્યા હતા, ચિરાગ પર ટપલીદાવ કરવાનો પ્રયાસ થયો અને કેટલાક લોકોએ ખુશ થઈને ફટાકડા ફોડ્યા હોવાના પણ અહેવાલ છે.કૉલેજકાળમાં સ્ટુડન્ટ લીડર ‘ચિરાગ ગોટી’ની સામે હવે પોલીસ કેસનો જાણે ઢગલો થયો છે.એક સમયે નાનામોટા ઝઘડામાં સમાધાન કરાવવાનું કામ કરનારા ચિરાગ ગોટી સામે હવે અપહરણ, ખંડણી માંગવી અને લોકો સામે ડ્રગ્સના ખોટા કેસ કરવા સહિતના આરોપ સબબ 10 જેટલા ગુના નોંધાયેલા છે.પોલીસે આ કેસમાં ચિરાગનો સાથ આપવાના આરોપમાં તેના ભાઈ નિરાંત ગોટીની પણ ધરપકડ કરી છે.

સુરતમાં ચિરાગને ઓળખનારા લોકો કહે છે કે નાના મોટા વિવાદમાં વચ્ચે પડનારા ચિરાગ ગોટીએ ધીમે-ધીમે તેમાંથી રૂપિયા પડાવવાની રીત શોધી કાઢી હતી.જયેશ ગજેરા નામની વ્યક્તિએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે કૉલેજકાળમાં ચિરાગ વિદ્યાર્થી નેતા હતો અને લગભગ વીસેક વર્ષ અગાઉ નાનામોટા ઝઘડા થયા હોય તેમાં વચ્ચે પડીને સમાધાન કરાવતો, પોલીસ કેસ થયો હોય તો વકીલની મદદ કરતો. આ દરમિયાન તે જમીનના વિવાદોમાં સમાધાન કરાવવા લાગ્યો અને તેમાંથી રૂપિયા મેળવતો થયો. ત્યાર પછી બીજા ધંધા છોડીને જમીનના વિવાદ ઉકેલવામાં જ લાગી ગયો.

ચિરાગ સામે રજની વાવડિયા નામની વ્યક્તિએ એક ફરિયાદ કરી છે. બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં રજનીએ કહ્યું કે, “2014-15માં ચિરાગ સાથે મારી ઓળખાણ થઈ હતી. સામાજિક પ્રસંગે અમે ભેગા થતા હતા.””આ દરમિયાન 2018માં મેં કતારગામમાં ગૌધન ઍપાર્ટમેન્ટ બનાવવાનું શરૂ કર્યું. તે વખતે કોઈએ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરતા મારું બાંધકામ તોડી નાખવામાં આવ્યું જેમાં મને નુકસાન થયું. તે વખતે મારે મજૂરોને તાત્કાલિક પૈસા ચૂકવવાના હતા. તેથી મેં મિત્રોને વ્યાજે રુપિયા આપવા વાત કરી. તે સમયે ચિરાગ ગોટીએ મારો સામેથી સંપર્ક કરીને વગર વ્યાજે રૂપિયા આપવાનું કહ્યું હતું.”

રજની વાવડિયાએ કહ્યું કે, “ચિરાગ પાસેથી મેં ત્રણ લાખ રૂપિયા લીધા હતા. એક મહિના માટે હું કામ માટે બહાર ગયો હતો, ત્યારે ચિરાગ ગોટી અચાનક પચ્ચીસેક લોકોને લઈને મારા ઘરે આવ્યો. તેણે મારી પત્નીને ધમકાવી અને મારા ઘરે હોબાળો કર્યો હતો.”રજની વાવડિયા કહ્યું, “ચિરાગના ગયા પછી મારી પત્નીનો ફોન આવતા હું મોડી રાત્રે સિંગણપોર રાધેશ્યામ સોસાયટીમાં ચિરાગ ગોટીના ઘરે ગયો. ચિરાગે મારી પાસે 18 લાખ રૂપિયા માંગીને ઢોરમાર માર્યો. મેં ગભરાઈને પત્નીના દાગીના ગીરવે મૂક્યા અને બીજા સગાસંબંધી પાસેથી રૂપિયા ઉછીના લઈને 18 લાખ રૂપિયા ચિરાગને આપ્યા. પરંતુ ચિરાગ સામે પોલીસ ફરિયાદ કરવાની મારામાં હિંમત ન હતી.”જયેશ ગજેરા કહે છે કે કતારગામ, સિંગણપોર વિસ્તારમાં ચિરાગ ગોટી નવરાત્રી અને ગણેશોત્સવનાં આયોજનો કરીને પોતાના સંપર્ક વધારતો. ત્યારબાદ લોકોને મદદ કરવાને બહાને રૂપિયા આપી તગડું વ્યાજ લેતો અને વ્યાજ ન આપી શકે તો એની મિલ્કત લખાવી લેતો હતો .રજની વાવડિયા પણ કહે છે કે ચિરાગ જેની પાસેથી રૂપિયા લેવાના હોય તેની પાસે જમીન-મકાન લખાવી લેતો હતો

ચિરાગ સામે આરોપ છે કે તેણે પોતાના જ એક સગાંને પોલીસ કેસમાં ફસાવવા માટે તેમના વાહનમાં ડ્રગ્સ મૂકાવ્યું હતું.ચિરાગના કૌટુંબિક ભાઈ અલ્પેશ મિયાણીનું કહેવું છે, “મેં ચિરાગને વ્હાઇટ કૉલર જૉબમાં લાવવા અને બિઝનેસમાં સામેલ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે મને જ ફસાવી દીધો.”અલ્પેશ મિયાણી કહે છે, “મારી પાસે શ્યામ લુબ્રિકન્ટ નામે પેટ્રોકેમિકલનો બિઝનેસ હતો. 2021માં મેં ચિરાગને મારા ધંધામાં પાર્ટનર બનાવ્યો. પરંતુ તે કામ પર આવતો નહીં, છતાં કૌટુંબિક ભાઈ હોવાથી અમે ચલાવી લેતા હતા.””આ દરમિયાન મારી કંપની પર જીએસટીના (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) દરોડા પડ્યા. તે વખતે ચિરાગે મારા નાના ભાઈને અપશબ્દો કહીને ધમકીઓ આપી. અમે આ ધંધામાંથી રાજીખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો અને ચિરાગને તેની જાણ કરી.”અલ્પેશ મિયાણી કહે છે, “ચિરાગ અમારી પાર્ટનરશિપમાંથી નીકળવા તૈયાર ન હતો. આ દરમિયાન જીએસટી દરોડામાં મારી કંપનીનો રેકૉર્ડ ચોખ્ખો નીકળ્યો. અમારા સીઝ થયેલા એકાઉન્ટ અને બધું પૅનલ્ટી વગર પાછું મળ્યું. તેથી અમે ભાગીદારીમાંથી છુટવા મિટિંગ કરી અને પછી કારમાં જતા હતા ત્યારે ચિરાગ ગોટીએ મારી કારમાં ડ્રગ્સ મૂકાવી દીધું.”

તેઓ કહે છે “મને આ વાતની ખબર ન હતી. ઘર પાસે પહોંચ્યો ત્યારે ત્યાં પોલીસ હતી. પોલીસે મારી કારનો નંબર જોઈને અટકાવ્યા અને તપાસ કરી તો ડ્રગ્સ નીકળ્યું. મારી સામે કેસ થયો. કોર્ટમાં મેં કહ્યું કે ડ્રગ્સ સાથે મારે કોઈ સંબંધ નથી. આ કેસ એસઓજીને સોંપાયો ત્યારે જાણવા મળ્યું કે ચિરાગે જ એક ડ્રગ પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું અને મારી કારમાં મૂકાવ્યું હતું.”કોર્ટે આ બાબતની નોંધ લીધી અને તપાસના આદેશ આપ્યા. આ દરમિયાન અલ્પેશ મિયાણી જેલમાંથી બહાર આવ્યા અને ચિરાગ ગોટી ફરાર થઈ ગયો.તેણે અલગ-અલગ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. આખરે સુપ્રીમ કોર્ટમાં પણ ચિરાગની જામીન અરજી નામંજૂર થવાથી તે પોલીસ સ્ટેશને હાજર થયો.ચિરાગ ગોટી સામે ફરિયાદ લખાવનાર રજની વાવડિયા કહે છે, “ચિરાગ હંમેશાં લોકોની આર્થિક સ્થિતિ જાણી લેતો અને પછી તેમનો ભરોસો જીતીને નાણાં ઉછીના આપતો. તે વખતે તે સિક્યૉરિટી તરીકે જમીન અથવા ફ્લૅટનાં કાગળો લઈ લેતો. અંતમાં રૂપિયા પાછા મેળવવાના નામે તે બળજબરીથી જમીન અને ફ્લૅટનો કબજો કરી લેતો હતો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *