બોલીવૂડ અભિનેતા Rajpal Yadavને હજુ થોડા દિવસો વધુ જેલમાં રહેવું પડશે. તેમની જામીન અરજી પર સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.આજે તેમના કેસ પર કોર્ટમાં ચર્ચા થઈ હતી. કોર્ટએ રાજપાલ યાદવને કડક શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું કે
તેમને પૈસા જમા કરાવવા માટે બે ડઝનથી વધુ તકો આપવામાં આવી હતી. છતાં તેમણે ન તો રકમ જમા કરાવી અને ન તો નિયમિત રીતે કોર્ટમાં હાજર રહ્યા. માત્ર કોર્ટ દ્વારા સરેન્ડરનો આદેશ આપ્યા બાદ જ તેઓ હાજર થયા.રાજપાલ યાદવના વકીલે કોર્ટમાં દલીલ કરી કે તેમના ભાઈની દીકરીનું લગ્ન છે અને રાજપાલ યાદવ એ લગ્નમાં હાજરી આપવા માંગે છે,
તેથી તેમને જામીન આપવામાં આવે. જોકે કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે પહેલાં કેટલા રૂપિયા જમા કરાવવાના છે તેની ચર્ચા કરો, પછી જ જામીન અંગે વિચારણા થશે.વકીલે વધુમાં જણાવ્યું કે આજે તેમની રાજપાલ યાદવ સાથે વાતચીત પણ થઈ શકી નથી. સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતાં વાત ન થઈ શકી, તેથી જામીન અરજી પરની સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખવાની વિનંતી કરવામાં આવી હતી.હાલ રાજપાલ યાદવ તિહાર જેલમાં બંધ છે અને તેમને કુલ 9 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.
આર્થિક મદદની ઘણી જાહેરાતો થઈ હોવા છતાં તેમના ભાઈના કહેવા મુજબ હજુ સુધી તેમના ખાતામાં એક પણ રૂપિયા જમા થયા નથી.જ્યારે તેઓ જેલ જવા જઈ રહ્યા હતા ત્યારે રાજપાલ યાદવે કોર્ટને 25 લાખ રૂપિયા જમા કરાવવાની ઓફર કરી હતી, પરંતુ કોર્ટએ તે પ્રસ્તાવ નામંજૂર કર્યો હતો. સ્પષ્ટ છે કે કોર્ટ તેમની તરફથી મોટી રકમની અપેક્ષા રાખે છે. હવે ઇન્ડસ્ટ્રી અને અન્ય લોકોની મદદથી આ રકમ એકત્રિત થઈ શકશે કે નહીં તે આવનારા સમયમાં જ જાણી શકાશે.