ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં સાતમા ધોરણમાં ભણતા એક કિશોરના પરિવારનો દાવો છે કે તેણે મોમો વેચનારાઓને લગભગ 85 લાખ રૂપિયાના ઘરનાં ઘરેણાં આપી દીધા.પરિવારનું કહેવું છે કે આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એ કિશોરનાં ફોઈ તેનાં માતાપિતાના ઘરે આવ્યાં અને તેના દાગીના મેળવવા માટે કબાટ ખોલ્યો.
તેમને તેમના બધા દાગીના ગાયબ જોવા મળ્યા.જ્યારે પરિવારના સભ્યોએ કિશોરની પૂછપરછ કરી, ત્યારે ધોરણ સાતમા ભણતા આ બાળકે આખી ઘટના કહી.રામપુર કારખાના પોલીસ સ્ટેશનના એસઓ દેવેન્દ્રકુમારસિંહના જણાવ્યા અનુસાર, ત્રણ યુવાનોએ 14 વર્ષના છોકરાને મોમોઝ ખવડાવવાના નામે લલચાવ્યો હતો.એવો આરોપ છે કે યુવકોએ પહેલા તેની સાથે મિત્રતા કરી અને પછી ધીમે ધીમે તેને ઘરેણાં લાવવા માટે સમજાવવાનું શરૂ કર્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ યુવાનોએ 14 વર્ષના છોકરાને મોમોઝ ખવડાવવાના નામે લલચાવ્યો હતો દેવરિયા સદર પોલીસના સર્કલ ઑફિસર સુનીલ રેડ્ડીએ આ કેસમાં એક આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છેઆ કેસમાં પોલીસે બીએનએસની કલમ 305(A) હેઠળ કેસ નોંધ્યો છે,
જેમાં એક સગીર સહિત ચાર આરોપીના નામનો સમાવેશ થાય છે.ભારતીય દંડ સંહિતાની કલમ 305 એ ચોરી સાથે સંબંધિત છે. આ ગુનામાં દોષિત ઠરેલા લોકોને સાત વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે.પોલીસે કાર્યવાહી કરી છે અને એક આરોપી રાકેશની ધરપકડ કરી છે. એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે કેટલાક દાગીના પણ જપ્ત કર્યા છે.
દેવરિયાના ક્ષેત્રીય પોલીસ અધિકારી સુનીલ રેડ્ડીએ ધરપકડની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પોલીસ ટીમો બાકીના આરોપીઓની શોધ કરી રહી છે.તેમણે કહ્યું કે બાકીનાં ઘરેણાં પણ ટૂંક સમયમાં શોધી લેવામાં આવશે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરનાં ફોઈ તેમનાં ઘરેણાં લેવા ઘરે આવ્યાં હતાં. કિશોરના પિતાએ જણાવ્યું કે જ્યારે તેમનાં બહેને તેમનાં ઘરેણાં માંગ્યાં ત્યારે તેમને કબાટમાંથી ગાયબ હતાં.જ્યારે તેમને શંકા ગઈ, ત્યારે તેમણે તેમના પુત્રની પૂછપરછ કરી હતી. જેના જવાબમાં તેણે કહ્યું કે તેણે ડુમરી ચાર રસ્તાના દુકાનદારોને મોમો ખાવા માટે ઘરેણાં આપ્યાં હતાં.કિશોરના પિતાએ જણાવ્યું કે તેઓ વારાણસીના એક મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે.
તેમણે કહ્યું, “મારો દીકરો ગામમાં જ રહે છે અને અભ્યાસ કરે છે અને તેને મોમો ખાવાની આદત છે. આ નબળાઈનો ફાયદો ઉઠાવીને, દેવરિયા-કસાયા રોડ પર ડુમરી ચાર રસ્તા પાસે મોમોની દુકાન ચલાવતા ત્રણ યુવાનોએ તેની સાથે મિત્રતા કરી લીધી હતી.”ઘરમાં હાજર કિશોરના કાકાએ જણાવ્યું કે આખા પરિવારનાં ભાઈ-બહેનોનાં ઘરેણાં ઘરમાં રાખ્યાં હતાં.સગીરના પિતાએ દાવો કર્યો હતો કે, “ગુમ થયેલા દાગીનામાં સોનાનો એક જોડી હાર, નવ સોનાની વીંટીઓ, બે સોનાના સેથા, બે જોડી સોનાની બંગડીઓ, 13 ચાંદીની અંગૂઠાની વીંટીઓ, 22 સોનાની નથણી, ચાર સોનાની અંગૂઠાની વીંટીઓ, પાંચ અન્ય સોનાની વીંટીઓ અને ચાર જોડી સોનાની બુટ્ટીઓનો સમાવેશ થાય છે.”આ ઘરેણાંની અંદાજે કિંમત આશરે 85 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ પહેલાં બાળકને મફત મોમોઝની ઑફર કરીને તેની સાથે મિત્રતા કરી હતી. ત્યાર બાદ ધીમે ધીમે તેને ઘરેણાં લાવવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.રામપુર કારખાના પોલીસ સ્ટેશનના એસઓ દેવેન્દ્રકુમારસિંહના જણાવ્યા અનુસાર, “સગીરે જણાવ્યું હતું કે તે તેના ઘરેથી ઘરેણાં કાઢીને ડુમરી ચોકના દુકાનદારોને મોમોના બદલામાં આપતો હતો. તેણે કહ્યું કે આ લગભગ ચારથી છ મહિના સુધી ચાલતું રહ્યું.”તે લગભગ દરરોજ કબાટમાંથી ઘરેણાં કાઢતો અને તેને મોમોના બદલામાં આપતો. પોલીસનું કહેવું છે કે સગીર તેની ઉંમર અને સમજણના અભાવને કારણે ગુનેગારોના છેતરપિંડીમાં ફસાઈ ગયો હતો.પોલીસે જણાવ્યું કે દીપકકુમાર, રાકેશ અને પિન્ટુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સગીરના પરિવારે પોલીસને તમામ દાગીનાની યાદી સુપરત કરી છે.જોકે, આરોપીઓના પરિવારજનોનો દાવો છે કે તેમણે ઘરેણાં પરત કરી દીધા હતા.આરોપી રાકેશના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેમણે જે દાગીના લીધા હતા તે પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પરિવાર ચાર બંગડીઓ વિશે વાત કરી રહ્યો હતો, જ્યારે તેમની પાસે બે બંગડીઓ જ છે.