“સામાન્ય રીતે ઉનાળામાં હું ધાબા પર સૂવાનું રાખું છું. ઠીકઠીક ગરમી પડવી શરૂ થાય ત્યારે મારું ધાબારોહણ શરૂ થાય. પરંતુ, આ વખતે તો પ્રારંભથી જ ઊંચા સૂરની ગરમી પડવા માંડી. હાર્મોનિયમની કી દબાયેલી જ રહી જાય અને જે રીતે એકધારો સૂર નીકળ્યા કરે એમ એકધારી ગરમી પડી રહી છે. એટલે આ વખતે પ્રારંભથી જ રાત્રે ધાબાનો આશરો લેવા માંડ્યો. રાત્રે અગિયાર વાગ્યે ધાબા પર પહોંચું છું ને શીતળ હવાની લહેરખીઓ શરીરને અડે છે ત્યારે એમ થાય છે કે, પ્રભુનો સ્પર્શ આનાથી જુદો નહિ હોય! રાત્ શીતળ હવામાં તારા જોતાંજોતાં ઊંઘી જાઉં છું. આ વખતની અસહ્ય ગરમી રૂઢિપ્રયોગના અર્થમાં ધોળે દિવસે તારા દેખાડે છે ને કાળી રાત્રે ખરેખરા તારા દેખાડે છે.”
રતિલાલ બોરીસાગરના હાસ્યલેખ ‘કો’કે ઢોળી દીધો છે આ તડકો!’નો આ અંશ છે.રતિલાલ બોરીસાગરને હવે પદ્મશ્રીનું સન્માન મળવા જઈ રહ્યું છે.ગત 25 જાન્યુઆરીના રોજ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતમાંથી રતિલાલ બોરીસાગર સહિત અન્ય ચારને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી.હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ સન્માનથી નવાજવામાં આવશે
.તેઓ અમદાવાદમાં રહે છે અને ચૌદ જેટલાં હાસ્ય પુસ્તકોના લેખક છે.’મરક મરક’ નામનો તેમનો પ્રથમ હાસ્યસંગ્રહ 1977માં પ્રકાશિત થયો હતો. જે ખૂબ વખણાયો હતો. તેમણે હાસ્યસંગ્રહ ઉપરાંત નિબંધો લખ્યા. બાળકો માટેનું સાહિત્ય લખ્યું. લેખક તરીકેની તેમની શરૂઆત તેમણે ટૂંકી વાર્તાઓથી કરી હતી. તેઓ મૂળે શિક્ષક, અધ્યાપક હતા.
ગુજરાતના પ્રતિષ્ઠિત હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેએ એ પુસ્તક વિશે કહ્યું હતું કે, “મરક મરક’ મેં બહુ રસપૂર્વક – આનંદપૂર્વક વાંચ્યુ છે. કેટલુંક લખાણ તો જાણે મેં જ લખ્યું એવું લાગ્યું છે.”ગુજરાતીમાં વિવિધ હાસ્યલેખકો થઈ ગયા. તેમાં જ્યોતિન્દ્ર દવેનું નામ ખૂબ આદરથી લેવાય છે.
હાસ્યની તેમની એક આગવી શૈલી હતી.’સળી નહીં સાવરણી’ જેવા હાસ્યલેખોના પુસ્તક સહિતનાં અન્ય પુસ્તકોના એવા બીરેન કોઠારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “રતિલાલભાઈ જ્યોતિન્દ્ર દવેના ઘરાનાના હાસ્યકાર હતા. એ ઘરાનું એવું છે કે તેમાં વિષયોની કદી ખોટ ન પડે. તેઓ સાવ સામાન્ય લાગતી બાબતમાંથી હાસ્ય સર્જી શકે અને તે હાસ્ય નિર્દંશ હોય. રતિલાલભાઈના હાસ્યમાં પણ કોઈ કડવાશ કે દંશ જોવા ન મળે. બોરીસગરનું વ્યક્તિત્વ પણ નિર્દંશ છે. તે જ બાબત તેમના હાસ્યમાં પણ જોઈ શકાય છે.
પોતાની જાત પર હસવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે, જે તેમનામાં હતી.”તડકો, પાકીટ, પ્રામાણિકતા જેવા વિષય પર રતિલાલ બોરીસાગરે હાસ્યનિબંધો લખ્યા છે. શરીરમાં લોહીવાહક નસોને ચેક કરવા માટેની ડૉક્ટરી તપાસ – સારવાર માટે ઍન્જિયોગ્રાફી કરવામાં આવે છે. રતિલાલ બોરીસાગરે ઍન્જિયોગ્રાફીનો પોતાનો અનુભવ ‘ઍન્જૉયગ્રાફી’ નામના હાસ્યના પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો હતો.મન્નુ શેખચલ્લીના નામથી જાણીતા હાસ્યકાર લલીત લાડે એ પુસ્તક વિશે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, “ડૉક્ટર આવીને તપાસે અને નર્સ જે પ્રકારે શુશ્રુષા કરે તેમાં હૉસ્પિટલના બિછાના પરથી તેઓ જે હાસ્ય લઈને આવ્યા એ રસપ્રદ છે. મને રતિલાલભાઈનું તે શ્રેષ્ઠ સર્જન લાગે છે. હાસ્યનિબંધોમાં જે ક્લાસિકલ ગણાય તેવા નિબંધો તેમણે આપ્યા છે. નિબંધ સ્વરૂપમાં શબ્દચાતુર્યમાં તેમનું પ્રભુત્વ છે