Cli

નવનીત બાલધિયા કેસ : એ પુરાવા જેના લીધે જયરાજ આહીરને જેલમાં જવું પડ્યું

Uncategorized

લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની, નવનીત બાલધિયા સાથેની મારપીટના કેસમાં ત્રણ અઠવાડિયાં બાદ ધરપકડ કરવામાં આવી છે.રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કર્યા બાદ તપાસ વેગીલી બની છે

અને કેટલાક પોલીસ અધિકારીઓની તાત્કાલિક બદલી પણ કરી દેવામાં આવી છે.સમગ્ર તપાસ દરમિયાન પોલીસને એવા પુરાવા મળ્યા છે જેના આધારે જયરાજ આહીરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દેતા હાલ તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે.નોંધનીય છે કે થોડા સમય પહેલાં એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે કરેલી ટિપ્પણી અંગે વાંધો વ્યક્ત કર્યા બાદ, બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે રાજકીય વિવાદ વકરતાં બાલધિયા અને તેમના સમર્થકોએ માયાભાઈના પુત્ર જયરાજ આહીર અને તેમના માણસો પર હુમલાનો આક્ષેપ કર્યો હતો.

આરોપ મુજબ, નવનીત બાલધિયાએ માયાભાઈના નિવેદન સામે વાંધો ઉઠાવ્યાના થોડા સમય બાદ, તળાજા ભાજપ યુવા મોરચાના અગ્રણી જયરાજ આહીરે તેમને ફોન કરીને રૂબરૂ મળવા બોલાવ્યા હતા.ત્યારબાદ ગત 29 ડિસેમ્બરની રાત્રે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર હુમલો થયો હતો. જેમાં તેમની મોટરસાઇકલ તોડી નાખવામાં આવી અને તેમને શારીરિક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના પરિણામે તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું.

આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો (117(2), 118(1), 115(2), 324(4), 191(1), 191(2) અને 189(2)) હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે શરૂઆતમાં જયરાજ આહીરના નામનો ઉલ્લેખ ટાળીને કેસને ‘અલગ પાટે’ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાના પડઘા પડતા કોળી સમાજ એકત્રિત થયો અને ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીતભાઈને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *