કાર્તિક આર્યન આજકાલ પોતાની ફિલ્મ કરતાં વધુ પોતાની નાની બહેન કૃતિકાની લગ્નવિધિઓને લઈને ચર્ચામાં છે. કાર્તિકે બહેનની લગ્નની દરેક રીતિ-રિવાજમાં દિલથી ભાગ લીધો હતો. હળદી અને સંગીતમાં ધમાલથી ડાન્સ કરવાથી લઈને બહેનને ફૂલોની ચાદર હેઠળ લઈને મંડપ સુધી પહોંચાડવા સુધી—કાર્તિક દરેક ક્ષણે જોડાયેલા રહ્યા.
હવે બહેનની લગ્નવિધિ પૂર્ણ થયા પછી કાર્તિકે પોતાના Instagram પર ઘણી તસવીરો સાથે કૃતિકા માટે એક ભાવસભર નોટ લખી છે. તસવીરોમાં દુલ્હા–દુલ્હન, કાર્તિક, તેમના માતા–પિતા અને પરિવારના અન્ય સભ્યો દેખાઈ રહ્યા છે. કૃતિકા સાથેના બાળપણના પળોને યાદ કરતાં કાર્તિકે લખ્યું:“કેટલાક દિવસો એવા હોય છે કે જે શાંતિથી તમારી આખી દુનિયા બદલી નાખે છે. આજે એવો જ દિવસ હતો—મારી કિકીને દુલ્હન તરીકે જોવાનો.
તે નાનકડી મારી પાછળ દોડતી બાળકી આજે પોતાનું નવું જીવન શરૂ કરવા એટલી ખુશી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે—આ જોવું ગર્વની લાગણી આપે છે.”સોશિયલ મીડિયા પર કાર્તિકના હળદી, સંગીત અને અન્ય લગ્નવિધિઓના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં કાર્તિક ‘કજરારે’ ગીત પર ડાન્સ કરે છે, જ્યારે બીજા વીડિયોમાં ‘हजारों में मेरी बहना है’ પર બહેન સાથે સ્ટેજ પર પરફોર્મ કરે છે.
હવે સૌની નજર કાર્તિકના જીજા તેજસ્વી સિંહ પર છે. જાણકારી મુજબ તેજસ્વી સિંહ એક એરપ્લેન પાઇલટ છે તેમજ ડિજિટલ ક્રીએટર પણ છે. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કાર્તિકની બહેન કૃતિકા એક હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. એટલે હવે કાર્તિકના પરિવાર સાથે એક પાઇલટનો પણ ઉમેરો થયો છે.
કાર્તિક હાલમાં ‘मैं तेरा तू मेरी तू मेरी मैं तेरा’ ફિલ્મમાં અનન્યા પાંડે સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે રિલીઝ થવાની છે.સોશિયલ મીડિયા પર લોકો કૃતિકાને અને કાર્તિકના પરિવારને ખુબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને કાર્તિકને “બેસ્ટ બ્રધર” કહીને વખાણી રહ્યા છે.