:રાઘવ અને પરિણીતિનો લાડલો હવે એક મહિના નો થયો છે. આ ખાસ પ્રસંગે રાઘવ અને પરિણીતિએ તેમના ચાહકોને ખાસ ભેટ આપી છે. તેમણે પોતાના જીગરના ટુકડા નીરની પહેલી ઝલક બતાવી છે અને તેના નામનો ખુલાસો પણ કર્યો છે. રાઘવ ચડ્ડા અને પરિણીતિ ચોપડા હવે બેમાંથી ત્રણ થઈ ગયા છે અને પોતાની જીવનની સૌથી ઉત્સાહભરી સફર એટલે કે માતાપિતાના જીવનનો આનંદ માણી રહ્યા છે.
દિવાળીના એક દિવસ પહેલાં, 19 ઑક્ટોબરે પરિણીતિએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેમની દિવાળી વધુ યાદગાર બની ગઈ હતી. જુનિયર ચડ્ડાના જન્મ પછીથી જ ચાહકો પ્રથમ ઝલક જોવા આતુર હતા અને બાળકનું નામ જાણવા માટે પણ ઉત્સુક હતા.આખરે રાઘવ અને પરિણીતિએ આ ઉત્સુકતાનો અંત લાવ્યો છે. 19 નવેમ્બરે તેમનો નાનો શહજાદો એક મહિના નો થયો છે અને આ દિવસે કપલે નીરની પહેલી ઝલક શેર કરી છે.
તેમણે જણાવ્યું કે પોતાના લાડલા નું નામ ‘નીર’ રાખ્યું છે, જેનો અર્થ પાણી થાય છે. કપલે પોતાના સંદેશમાં લખ્યું છે કે પાણી જીવનનું પ્રકાર છે અને પ્રેમ તેનું સ્વરૂપ છે. તેમનો દીકરો જીવન અને પ્રેમની અનંત બુંદ સમાન છે.નીર નામમાં પણ માતા પિતાના નામની ઝલક જોવા મળે છે — પરિણીતિના ‘ની’ અને રાઘવના ‘ર’ મળીને ‘નીર’ બને છે. જેટલું સુંદર નામ, એટલી જ સુંદર તેની પહેલી ઝલક પણ છે. બે તસવીરોમાં તેમણે નીરના નાનકડા હાથ અને પગ દર્શાવ્યા છે.
પહેલી તસવીરમાં રાઘવ અને પરિણીતિ નીરના પગને ચુંબન કરતા દેખાય છે. નીરના કપડાં, બેડશીટ અને આખું પરિસર પેસ્ટલ થીમમાં દેખાય છે. બીજી તસવીરમાં બંને પોતાના હાથમાં દીકરાના નાનકડા પગને પકડી રાખ્યા છે. જોકે કોઈ પણ તસવીરમાં તેમણે ચહેરો બતાવ્યો નથી.
ચાહકો નીરની આ ઝલક પર ઘણો પ્રેમ લૂંટાવી રહ્યા છે અને એટલું સુંદર નામ પસંદ કરવા માટે રાઘવ–પરિણીતિની પ્રશંસા કરી રહ્યા છે. બે વર્ષની મિત્રતા બાદ બંનેએ ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી અને હવે લગ્નના બે વર્ષ બાદ તેઓ બેમાંથી ત્રણ બની ગયા છે.