ભારત દેશ અને એમાં પણ ખાસ ગુજરાત એ પરંપરાઓનું રાજ્ય છે. આ રાજ્યમાં દરેક શહેરની,દરેક ગામની એક અલગ પરંપરા હોય છે. તમે પણ ગુજરાતની અમુક અવનવી પરંપરા વિશે જાણ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે માત્ર વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા ગુજરાતના એક ગામના લોકોએ ગામમાં આજ સુધી પાકા ઘર ન બનાવ્યા હોય?
તમને થશે કે આવી કેવી પરંપરા, પાકા ઘર ના બનાવવાના તો શું કાચા ઘરમાં રહેવાનું? તો જવાબ છે હા.ગુજરાતના એક ગામમાં વર્ષો જૂની પાકા મકાન ન બનાવવાની પરંપરા જાળવી રાખવા આ ગામના લોકો આજના યુગમાં પણ કાચા મકાનમાં રહે છે.
ગુજરાતનું આ ગામ છે ભુજમાં આવેલું સણોસારા. વિગતે વાત કરીએ તો, ભુજના સણોસારા ગામની વહુ મોમાઈ માતાની પૂજા કરતી હતી. લગ્ન પહેલાથી જ તે મોમાઈ માની ભક્ત હતી. મોમાઈ માં તરફથી તેણે લગ્ન ન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે દીકરી મોટી હોવાથી તેના પિતાને લોકોનું સાંભળવું પડતું હતું જેથી તેને મોમાઈ માં પાસે લગ્ન કરવાની પરવાનગી માંગી હતી. દીકરીના લગ્ન બાદ તે સણોસારા ગામની વહુ બની ને આવી પરંતુ લગ્ન કરવાની પરવાનગી આપતા સમયે માતાએ રાખેલી શરત અનુસાર મોમાઈ માં પોતે પણ સણોસારા ગામમાં પોતાની ભક્ત સાથે આવ્યા હતા.
કહેવાય છે કે સણોસારા ગામમાં લગ્ન કરી આવ્યા બાદ પણ દીકરી મોમાઈ માં સાથે વાત કર્યા કરતી હતી. જેને કારણે તેના સાસરિયાંને તેની માનસિક સ્થતિ ખરાબ હોવાની શંકા ગઈ હતી. જો કે બાદમાં પતિએ પૂછપરછ કરતા તેને મોમાઈ માં અંગે વાત કરી હતી. જે બાદ સાસરિયાંએ પણ મા મોમાઈની પૂજા ભક્તિ શરૂ કરી હતી કહેવાય છે કે આ પૂજા ભક્તિ બાદ મોમાઈ મા એ દીકરી અને તેના સાસરિયાં ને સણોસારા ગામમાં ડુંગર પર તેમનું મંદિર બનાવી સ્થાપન કરવા આદેશ કર્યો હતો.
એટલું જ નહિ મા મોમાઈએ ગામના લોકોને પોતે પરવાનગી ન આપે ત્યાં સુધી ગામમાં પાકા ઘર, જાળી ન બનાવવાનો પણ આદેશ કર્યો હતો. કહેવાય છે કે આ જ પરંપરાને જીવંત રાખવા આજ સુધી આ ગામમાં કોઈપણ અમીર, ગરીબ વ્યક્તિએ પાકું ઘર નથી બનાવ્યું.લોકોનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ પરંપરાનો ભંગ કરવાનો પ્રયત્ન કરે છે તો તેને ભારે નુકસાન ભોગવવું પડે છે. લોકોનું કહેવું છે કે મા મોમાઈ જે દિવસે આદેશ આપશે તે સમયે જ ગામમાં પાકા મકાન બનશે.