વૈભવ સૂર્યવંશી માટે IPL 2026 સપનાથી પણ વધારે શાનદાર રહ્યું. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે 16 મેચમાં 776 રન બનાવી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું. તેની નિર્ભય બેટિંગ સામે મોટા મોટા બોલરો પણ નિષ્ફળ સાબિત થયા. આખી સિઝનમાં ક્રિકેટ ચાહકોની જબાન પર માત્ર એક જ નામ હતું, વૈભવ સૂર્યવંશી. વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને અભિષેક શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે પણ વૈભવ સૌથી મોટો સ્ટાર બનીને ઉભરી આવ્યો.
આ સિઝનમાં વૈભવે અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા. સૌથી ઓછી ઉંમરે 1000 IPL રન પૂર્ણ કરનાર બેટ્સમેન, સૌથી ઝડપી રન બનાવનાર ખેલાડી અને પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સહિત અનેક સિદ્ધિઓ તેણે હાંસલ કરી. જે રેકોર્ડ્સને તોડવા એક સમય અસંભવ માનવામાં આવતા હતા, તે વૈભવ માટે જાણે ડાબા હાથનો ખેલ સાબિત થયા. તેની આક્રમક બેટિંગ અને સતત ધમાકેદાર પ્રદર્શનને કારણે તે ટુર્નામેન્ટનો સૌથી મોટો આકર્ષણ બની ગયો.
વૈભવે આ સિઝનમાં કુલ પાંચ મોટા એવોર્ડ જીત્યા. પ્રથમ એવોર્ડ “ઇલેક્ટ્રિક સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન” હતો. તેણે 237.31ના અદ્ભુત સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા, જે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ રહ્યો. આ માટે તેને ટાટા કર્વ કાર ઇનામ તરીકે આપવામાં આવી. ઉપરાંત તેણે સિઝનમાં કુલ 72 છગ્ગા ફટકારી “મોસ્ટ સિક્સેસ”નો એવોર્ડ પણ જીત્યો. બીજા ક્રમે રહેલા અભિષેક શર્માએ 43 છગ્ગા માર્યા હતા, એટલે બંને વચ્ચે 29 છગ્ગાનો મોટો તફાવત હતો.
રાજસ્થાન રોયલ્સના આ યુવા ઓપનરને “ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન”નો એવોર્ડ પણ મળ્યો. ચાહકોના મતદાનમાં તેને સૌથી વધુ 36 ટકા મત મળ્યા હતા. સાથે જ તેણે “મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન”નો ખિતાબ પણ જીત્યો. આ યાદીમાં કગિસો રબાડા, જોફ્રા આર્ચર અને શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા, પરંતુ વૈભવે 436.5 પોઇન્ટ સાથે સૌને પાછળ છોડી દીધા. આ એવોર્ડ સાથે તેને 15 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ મળી.
વૈભવ માટે સૌથી મોટો સન્માન ઓરેન્જ કેપ જીતવાનો રહ્યો. 16 મેચમાં 776 રન સાથે તે સિઝનનો સર્વોચ્ચ રન સ્કોરર બન્યો. શુભમન ગિલ અને સાઈ સુદર્શન જેવા દાવેદારોને પાછળ છોડીને તેણે આ સિદ્ધિ મેળવી. ભલે રાજસ્થાન રોયલ્સ ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી, પરંતુ વૈભવે વ્યક્તિગત સ્તરે એવોર્ડ્સ અને રેકોર્ડ્સનો વરસાદ કર્યો. હવે IPLમાં ધૂમ મચાવ્યા પછી તેની નજર ભારતીય ટીમમાં સ્થાન મેળવવા પર છે અને ક્રિકેટ ચાહકો પણ તેને જલ્દીથી ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા આતુર છે.